ગુજરાતમાં પર્યાવરણિય સુનાવણી મોકુફ રાખવા માટે રાજ્યની પર્યાવરણ સંસ્થા પર્યાવરણ મિત્રએ માગણી કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે હાલ કોરોના સંક્રમણની સ્થિતિમાં જાહેર કરવામાં આવેલી સાત જેટલી સુનાવણી મોકુફ રાખવામાં આવે. આ સુનાવણી 18 ઓગષ્ટ થી 29 ઓગષ્ટ દરમ્યાન થવાની છે.
આ સંસ્થાએ મુખ્યમંત્રીને પત્રમાં કહ્યું છે કે અમારી માગણીને રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ તેમજ ગુજારાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ એ ધ્યાને લીધી નથી તેનું અમને દુખ છે તેથી અમે તમારી સમક્ષ રજૂઆત કરી છે. રૂપાણીને લખેલા પત્રમાં આ સંસ્થાના ડાયરેક્ટર મહેશ પંડ્યાએ કહ્યું છે કે દેશ અને ગુજરાતમાં અમલમાં મૂકાયેલી હાલની અનલોક-3 ગાઇડલાઇન હેઠળ ફક્ત લગ્ન અને મૃત્યુને ધ્યાનમાં રાખીને સામૂહિક મેળાવડા પર પ્રતિબંધ મૂકાયેલો છે ત્યારે પર્યાવરણ અંગેની સુનાવણી પણ મોકુફ રાખવી જોઇએ.
તેમણે ધ્યાન દોર્યું હતું કે કોરોના સંક્રમણના સમયમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ મોરબી, દેવભૂમિ દ્વારકા, ખેડા, ભરૂચઅને સાબરકાંઠા જિલ્લામાં પર્યાવરણિય સુનાવણી હાથ ધરી રહ્યું છે તેને સૂચના આપીને સ્થગિત કરી દેવી જોઇએ. જો કે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે જણાવ્યું છે કે અમે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને અન્ય સલામતી સાથે આ સુનાવણી કરવા જઇ રહ્યાં છીએ તેથી સુનાવણી મુલત્વી રાખવાનો પ્રશ્ન ઉભો થતો નથી પરંતુ અમારી માગણી છે કે હાલ આ સુનાવણીને સ્થગિત કરવામાં આવે.
મહેશ પંડ્યાએ કહ્યું હતું કે જાહેર સુનાવણીમાં ભાગ લેનારા લોકોની સંખ્યા પર કોઈ પ્રતિબંધ હોઇ શકે તેમ નહીં હોવાથી આવી સુનાવણી યોજવામાં આવે તો લોકોના જીવ જોખમમાં મુકાશે. એટલું જ નહીં મોટાભાગના લોકો કે જેમને રજૂઆત કરવાની છે તે કોરોના સંક્રમણના કારણે આવવાનું ટાળશે. પત્રમાં લખવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવી જાય પછી તેની સુનાવણી રાખવી જોઇએ.