કોરોના કાળમાં લોકોને લૂંટવામાં બેન્કો બાકી રાખતી નથી તેમ હવે સરકાર પણ ગુમાવેલી આવક મેળવવા માટે લોકો પર ટેક્સનો કોરડો વિઝીં રહી છે. અણગમતા ટેક્સથી લોકોની કમર તૂટી ગઇ છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે મોંઘવારી આસમાને છે ત્યારે કોરોના સંક્રમણમાં ફરજીયાત વાપરવામાં આવતા માસ્ક અને સેનિટાઇઝરની કિંમતમાં પણ વધારો થશે.
કેન્દ્રની જેમ રાજ્ય સરકારે પણ માસ્કને આવશ્યક ચીજવસ્તુમાંથી બાકાત કરી દીધા પછી બજારમાં માસ્કના મ્હોં માગ્યા દામ ચૂકવવા પડે છે. હવે સરકારે સેનિટાઇઝરના ઉત્પાદકો પર 18 ટકા જેટલો વિક્રમી જીએસટી લાગુ કરી દેતાં બઘો ભાર કન્યાની કેડ પર આવે તેમ ગ્રાહકો પર 18 ટકા જીએસટીનું ભારણ આવ્યું છે તેથી હવે સેનાટાઇઝર ખરીદતી વખતે પ્રત્યેક ગ્રાહકે 18 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે.
કોરોના વાયરસના રોગચાળા દરમિયાન આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર ઉપર 18 ટકા જીએસટી લાગુ પડશે. આ સેનિટાઇઝર આવશ્યક ચીજવસ્તુમાં આવતી હોવા છતાં જીએસટી ભરવો પડશે. આવી કટોકટીભરી સ્થિતિમાં હવે લોકોને આ મહત્વની વસ્તુ પર પણ વધુ ટેક્સ ભરવો પડશે. જીએસટી અંગે ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગની ગોવા બેંચે આ આદેશ આપ્યો છે.
સ્પ્રિંગફિલ્ડ ઇન્ડિયા ડિસ્ટિલરીઝે એએઆરની ગોવા બેંચને અપીલ કરી હતી, જેમાં કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા સેનિટાઇઝરને વર્ગીકૃત કરવાનું કહેવાયું હતું. કંપનીએ દલીલ કરી હતી કે, આ ઉત્પાદન પર 12 ટકા જીએસટી લાગુ પડે છે. ઉપરાંત કંપનીએ એમ પણ પૂછ્યું હતું કે, જો સેનિટાઇઝર આવશ્યક ચીજવસ્તુ છે તો તેના પર જીએસટીમાં છૂટ મળશે.
એએઆર એ જણાવ્યું કે, અરજદાર દ્વારા બનાવવામાં આવેલું હેન્ડ સેનેટાઈઝર આલ્કોહોલ આધારિત છે, તેના પર 18 ટકા જીએસટી લાગશે. ઓથોરિટીએ જણાવ્યું કે, ગ્રાહક બાબતોના મંત્રાલયે હેન્ડ સેનિટાઇઝરને આવશ્યક ચીજવસ્તુ તરીકે વર્ગીકૃત કર્યું છે, પરંતુ જીએસટી એક્ટમાં જે વસ્તુઓ પણ છુટછાટ મળી હોય છે, તેની જુદી યાદી હોય છે.