ગુજરાતમાં ચાર ભિન્ન પ્રદેશોમાં પાણીની ગુણવત્તા અલગ અલગ જોવા મળે છે. રાજ્યમાં સૌથી સારૂં પાણી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હોવાનું અદ્યયન થયું છે જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગુણવત્તા સામે વર્ષોથી સવાલો થયાં છે.
રાજ્યમાં સપાટી પરના અને ભૂગર્ભ જળના સ્ત્રોત ખૂટી રહ્યાં છે. અત્યારે લગભગ 55600 મિલિયન ઘનમીટર એટલે કે 31800 મિલિયન ઘનમીટર સપાટી પરના જળ અને 17500 મિલિયન ઘનમીટર ભૂગર્ભજળ હોવાનો અંદાજ છે.
રાજ્યના જળતજજ્ઞોના મતે ગુજરાતમાં 88 ટકા પાણી સિંચાઇમાં વપરાય છે. 10 ટકા પાણી ઘરવપરાશમાં લેવાય અને બે ટકા પાણી ઉદ્યોગો માટે પુરૂં પાડવામાં આવે છે. અંદાજ છે કે 2025 સુધીમાં રાજ્યના મોટાભાગના જળસ્ત્રોતમાં પાણીનો જથ્થો ચિંતાજનક રીતે ઓછો થશે જે નવી પેઢી માટે પડકારરૂપ છે. રાજ્યના મોટાભાગના ભૂગર્ભ જળ સ્ત્રોત વન-થર્ડ વિસ્તાર સુધી મર્યાદિત છે.
આ પ્રદેશોમાં ભૂગર્ભજળનો વધુ ઉપયોગ થતાં પ્રતિવર્ષ ત્રણ થી પાંચ મીટરના દરે પાણી ઉંડા ઉતરતાં ગુણવત્તા હલકી થતી જાય છે. રાજ્યમાં ભૂગર્ભજળને વ્યક્તિગત સંપત્તિ માનવામાં આવતી હોવાથી તેના દોહનમાં કોઇ મર્યાદા રહેતી નથી. બીજી તરફ કુદરતી જળાશયો અને કેનાલો પર અતિક્રમણ થાય છે. જો કે તે જથ્થો સરકારના હાથમાં હોવાથી તેમાં નિયંત્રણ મૂકી શકાય છે.
રાજ્યની જનતા વધુમાં વધુ સરફેસ વોટર મેળવે તો આરોગ્યને ફાયદો થાય છે એટલું જ નહીં ભૂગર્ભ જળ સલામત રહે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં ભૂગર્ભ જળ વધુ ખેંચવામાં આવતું હોવાથી સમુદ્રના પાણી ઘૂસી જતાં જમીનમાં ખારાશનું પ્રમાણ વધે છે.
અભ્યાસનું તારણ દર્શાવે છે કે રાજ્યમાં 2025 સુધીમાં પાણીની આયાત કરવી પડે તેવી સ્થિતિ ઉભી થશે કારણ કે નર્મદા કેનાલના પાણી આખા ગુજરાતને મળી શકતા નથી. સરકારે તાજેતરમાં પાણી ફાળવણીનો અગ્રતાક્રમ જાહેર કર્યો છે જેમાં પેયજળને પહેલો પ્રેફરન્સ આપવામાં આવ્યો છે. ત્યારપછી સિંચાઇ, જળવિદ્યુત મથક, કૃષિ, ઉદ્યોગ, પર્યાવરણ અને જળપરિવહનનો ક્રમ આવે છે.