ગુજરાતમાં અવાર નવાર આગની ઘટનાઓ સામે આવે છે અને દુર્ધટના સર્જાય છે ત્યારે સરકાર અને સ્થાનિક સંસ્થા ફાયર સેફ્ટિના નોર્મ્સ તપાસીને કાર્યવાહી શરૂ કરે છે પરંતુ ઘટનાના 15 દિવસ પછી બધું થાળે પડી જાય છે અને લોકો તેમજ સરકાર આગની ઘટનાને ભૂલી જાય છે. ચોંકાવનારી વિગતો એવી સામે આવી છે કે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ફાયર સેફ્ટિના નોર્મ્સનું સદંતર ઉલ્લંઘન થયેલું જોવા મળી રહ્યું છે.
ખુદ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં આ પ્રમાણેનો ખુસાલો થયો છે. હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરામાં હજારો મિલકતો એવી છે કે જેમાં ફાયર સેફ્ટિની કોઇ સુવિધા નથી અથવા તો આ મિલકતો પાસે ફાયર એનઓસી નથી.
ગુજરાતના શહેરોમાં આવેલી મિલકતોમાં ફાયર સેફ્ટીના નોર્મ્સ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી રીટ પિટીશનમાં સરકારે એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં જણાવાયું છે કે અમદાવાદમાં સૌથી વધુ 18912 જેટલી ઇમારતોમાં ફાયર સેફ્ટીના એનઓસી નથી. આખા ગુજરાતમાં અમદાવાદ એવું શહેર છે કે જ્યાં ફાયર સેફ્ટિ અંગેના એનઓસી લેવામાં મિલકત ધારકોએ કંજૂસાઇ કરી છે.
ગુજરાતમાં સુરત, વડોદરા અને અમદાવાદ શહેરમાં આગની મોટી ઘટનાઓ બની ચૂકી છે ત્યારે આ ત્રણેય શહેરોમાં ફાયર એનઓસી એક મોટો કોયડો છે. અમદાવાદમાં છેલ્લે લાગેલી આગ પછી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ મિલકતોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને અસંખ્ય મિલકત ધારકોને એનઓસી લેવા અંગે નોટીસ આપવામાં આવી હતી.
ગુજરાતમાં જ્યાં કાયદા બને છે તે ગાંધીનગરમાં 587 જેટલી ઇમારતોમાં ફાયરની એનઓસી નથી. સુરતમાં 7279 જેટલી ઇમારતોમાં એનઓસી નથી. વડોદરામાં 858 પૈકી 68 ઇમારતો પાસે ફાયર સેફ્ટી માટે એનઓસી નથી. એકમાત્ર રાજકોટ એવું શહેર છે કે જ્યાં ફાયર સેફ્ટિ એનઓસીમાં 100 ટકાનો રેશિયો છે.
રાજ્યની ઇમારતોમાં ફાયર સેફ્ટિના મુદ્દે હાઇકોર્ટમાં થયેલી પિટીશનના જવાબમાં રાજ્ય સરકારે ફાયર એનઓસી વિનાની ઇમારતોના આંકડા આપ્યાં છે. હવે આ કેસમાં આગળની સુનાવણી સોમવારે થવાની છે. ઉલ્લેખનીય છે કે ફાયર સેફ્ટિનું કામ કરતી તમામ એજન્સીઓને એક છત્ર નીચે લાવવાની વિચારણા રાજ્ય સરકારે થોડાં વર્ષો પહેલાં કરી હતી પરંતુ આ નિર્ણય હજી સુધી લેવામાં આવ્યો નથી.