મુંબઇઃ શેરબજારમાં મંદી આવતા રોકાણકારો હવે બુલિયન માર્કેટ તરફ ફંટાયા છે અને આજે ભારતીય બજારોમાં સોનામાં સુધારો જોવા મળ્યો હતો તો ચાંદીના ભાવ નોંધપાત્ર ઉછળ્યા હતા. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટી તેજી આવી છે. જેમાં સોનાનો ભાવ 500 રૂપિયા ઉછળીને 51,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદીના ભાવમાં આજે 3500 રૂપિયાનો મોટો ઉછાળો નોંધાયો અને પ્રતિ એક કિગ્રા દીઠ ભાવ 70,500 રૂપિયા થયો હતો. જે ઓગસ્ટ 2020 પછીનો સૌથી ઉંચો ભાવ છે. ગત ગુરુવારે અમદાવાદમાં સોનાનો ભાવ 50,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 67,000 રૂપિયા પ્રતિ એક કિગ્રા હતો.
જો દેશના અન્ય બુલિયન બજારોની વાત કરીયે તો દિલ્હીના ઝવેરી બજારમાં આજે શુક્રવારે સોનાનો ભાવ 132 રૂપિયા વધીને 48,376 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો આજે ચાંદી 2915 રૂપિયા ઉછળી હતી અને પ્રતિ એક કિગ્રા દીઠ ભાવ 68,410 રૂપિયા થયો હતો.
શેરબજારમાં હાલ મંદીના માહોલના પગલે બુલિયન માર્કેટમાં તેજી આવી છે. ઉપરાંત આગામી 1લી ફેબ્રુઆરી, સોમવારના રોજ દેશના નવા નાણાંકીય વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ પણ રજૂ થવાનું છે. આ બજેટ પૂર્વે સોના-ચાંદીના ભાવમાં અનપેક્ષિત ઉછાળો આવ્યો છે જે મોટી વાત છે.
આજે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 1 ડોલર ઘટીને 1844.60 ડોલર અને ચાંદી સવા ડોલરના સુધારામાં 26.62 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.