પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના કારણે લોકોએ ખર્ચમાં કાપ મૂક્યો છે, કારણ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં પણ રોજે રોજ ભાવ વધી રહ્યાં છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં વેપારીઓ પણ પેટ્રોલ અને ડીઝલની જેમ રોજે રોજ ભાવવધારો કરી રહ્યાં છે.
કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર 2016માં નોટબંધી કરી તે પછી ઝડપથી વધી ગયેલું ચલણી નોટોનું સરક્યુલેશન ગયા મે મહિનાથી ઘટવા લાગ્યું છે. એસબીઆઇ રિસર્ચના રિપોર્ટમાં આ વાત બહાર આવી છે. નોંધપાત્ર બાબત એ છે કે મે મહિનાથી જ ક્રૂડ ઓઇલના ભાવ વધવા લાગ્યા છે અને રિઝર્વ બેન્કે ફોરેક્સ માર્કેટમાં તેનો હસ્તક્ષેપ કર્યો છે.
રિપોર્ટ મુજબ કરન્સીનું પ્રમાણ ઘટવાનું એક કારણ એ હોઈ શકે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં જબરજસ્ત વધારો થયો છે, જેને કારણે લોકોએ અન્ય ખર્ચ પર કાપ મૂક્યો હોઈ શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આવું થઈ રહ્યું હોય તેમ જણાય છે. ગુજરાતના શહેરી વિસ્તારમાં પણ લોકોએ ખરીદી પર કાપ મૂક્યો છે, કારણ કે ભાવવધારો બધી જગ્યાએ નડી રહ્યો છે.
રિઝર્વ બેન્કના છેલ્લાં 10 વર્ષના આંકડા દર્શાવે છે કે દર જુલાઇ મહિનાના છેલ્લા 15 દિવસ દરમિયાન કરન્સીમાં ઘટાડો થતો હોય છે, કારણ કે કૃષિ ક્ષેત્રે રોકડની માંગ ઓછી હોય છે. ચોમાસુ પૂરું થાય પછીથી પાક લણવાની સીઝન શરૂ થાય એટલે ઓક્ટોબરથી કરન્સીની માંગ વધી જાય છે. જો કે ગુજરાતમાં સ્થિતિ અલગ છે. ઘણાં પરિવારોએ પેટ્રોલ અને ડીઝલના વાહનો પર નિયંત્રણ મૂકી દીધાં છે.
જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓમાં ભાવવધારો દિન પ્રતિદિન થઇ રહ્યો છે. એક ટૂથપેસ્ટનું ઉદાહરણ લઇએ તો એક મહિના પહેલાં જે ટૂથપેસ્ટ 50 રૂપિયામાં મળતી હતી તેના એક મહિનામાં જ 70 રૂપિયા થઇ ગયા છે. દવાઓના ભાવ પણ વધે છે. શાકભાજીના ભાવતો રોજેરોજ બદલાતા રહે છે. ગયા વર્ષે બજારમાં કેળાંનો ભાવ 25 થી 30 રૂપિયે ડઝન હતો જે આ વર્ષે 40 થી 50 રૂપિયા કરતાં ઓછો નથી.
બજારના સૂત્રો કહે છે કે પેટ્રોલમાં 100 અને ડીઝલમાં 98 રૂપિયાનો ભાવ દિવાળીના સમયમાં જોવા મળશે એટલે કે સરકાર લોકોના તહેવારો પણ બગાડી રહી છે. હાલ બે મહિના સુધી કોઇ રાજ્યમાં ચૂંટણી નથી તેથી સરકાર ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટી કે રાજ્યો વેટ ઘટાડતી નથી. સરકાર તિજોરી ભરી રહી છે પરંતુ જનતાના ખિસ્સા ખાલી થાય છે.
સચિવાલયના ત્રીજાવર્ગના એક કર્મચારીએ કહ્યું હતું કે વધેલા ભાવ ક્યારેય ઘટતા નથી. પેટ્રોલ અને ડીઝલ હવે સસ્તા મળે તો પણ વેપારીઓ કે ઉત્પાદકો ભાવ ઘટાડવાના નથી. સરકારે ડીઝલના ભાવ અંકુશમાં લાવવા વિચારવું જોઇએ, કે જેથી મોંઘવારી વધે નહીં.