મુંબઇઃ ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કે ટ્રાન્ઝેક્શન કરનાર કસ્ટમરોને ભારતીય બેન્કોએ ચેતવણી આપી છે. દેશની કેટલીક મોટી બેન્કોએ પોતાના કસ્ટમરોને બિટકોઇન જેવી વર્ચ્યુઅલ કરન્સીમાં ડિલિંગ ન કરવાની સલાહ આપી છે. એચડીએફસી બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ પોતાના કસ્ટમરોને આ અંગે ઇ-મેલ પણ મોકલ્યા છે.
અલબત્ત આ ઇ-મેલ કેટલાંક પસંદગીના કસ્ટમરોને જ મોકલવામાં આવી રહ્યા છે. આ ઇ-મેલમાં કસ્ટમરોને ક્રિપ્ટોકરન્સી સંબંધિત ટ્રાન્ઝેક્શન અંગે પૂછવામાં આવ્યુ છે અને આવા ટ્રાન્ઝેક્શનથી બચવાની સલાહ આપવામાં આવી છે.
બેન્કોએ કસ્ટમરોને ચેતવણી આપી છે કે આ સલાહને જો નહીં માનશો તો તેમનું કાર્ડ પણ કેન્સલ કરવામાં આવી શકે છે. HDFC બેન્કે ઇ-મેલમાં કહ્યુ છે કે, રિઝર્વ બેન્કની ગાઇડલાઇન હેઠળ વર્ચ્યુઅલ કરન્સી સાથે જોડાયેલ ટ્રાન્ઝેક્શનની મંજૂરી નથી. તેમાં રિઝર્વ બેન્ક તરફથી એપ્રિલ – 2018માં જારી કરાયેલા પરિપત્રનો હવાલો આપવામાં આવ્યો છે. આ પરિપત્રમાં બેન્કોએ આવા પ્રકારના ટ્રાન્ઝેક્શનને લઇને કડક વલણ દાખવવા સૂચના અપાઇ છે. તેમાં જણાવ્યુ છે કે, બેન્કોને તેમના કસ્ટમરોના એકાઉન્ટમાંથી થતા આવા ટ્રાન્ઝેક્શન પર બાજ નજર રાખવી જોઇએ.
SBI એ કસ્ટમરોને ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા જોખમ પર ધ્યાન રાખવા જણાવ્યુ છે. દેશના આ સૌથી મોટી બેન્કે પોતાના કસ્ટમરોને મોકલેલા ઇ-મેલમાં લખ્યુ છે કે, વર્ચ્યુઅલ કરન્સી પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન માટે ક્રેડિટ કોર્ડનો ઉપયોગ કરશો તો તમારું ક્રેડિટ કાર્ડ રદ કરવામાં આવી શકે છે. અલબત્ત સુપ્રીમ કોર્ટે પાછલા વર્ષે રિઝર્વ બેન્કના આદેશોને ખોટા ગણાવ્યા હતા. કોર્ટે કહ્યુ હતુ કે, રિઝર્વ બેન્ક એ સાબિત કરી શક્યુ નથી કે ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલી ફર્મોના પગલે રેગ્યુલેટેડ એન્ટિટીઓને નુકસાન થઇ શકે છે.