નવી દિલ્હી: લોન ડિફોલ્ટર વિજય માલ્યા પાસેથી રિકવરી કરવામાં મોટી સફળતા મળી છે. ઇડીની આ પ્રક્રિયા હેઠળ જ એસબીઆઇને માલ્યાની કિંગફિશર એરલાઇન્સની સંપત્તિ મળી છે. એસબીઆઇની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમ માટે શુક્રવારે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી)એ કિંગફિશર એરલાઇન્સના શેર વેચીને 792.11 કરોડ રુપિયા મેળવ્યા હતા. બેન્ક જૂથને આ શેર ઇડીએ સોંપ્યા હતા.
એસબીઆઇ આ પહેલા પણ માલ્યાની એસેટ લિક્વિડેશન દ્વારા 7,181.50 કરોડ રુપિયા મેળવી ચૂક્યુ છે. આ માટે તેણે બે અલગ-અલગ હપ્તામાં લિક્વિડેશન કર્યુ. તેમા એક હપ્તામાં 1,357 કરોડ રુપિયા અને બીજા હપ્તામાં 5,824.50 કરોડ રુપિયા મળ્યા. વિજય માલ્યા પર એસબીઆઇના કુલ 9,900 કરોડ રુપિયા લેણા નીકળે છે. તેમાથી 81 ટકા રકમની વસૂલાત એસબીઆઇની આગેવાની હેઠળનું કોન્સોર્ટિયમ કરી ચૂક્યું છે.
ઇડીએ આ ઉપરાંત નીરવ મોદી અને મેહુલ ચોક્સીના મામલામાં પણ અત્યાર સુધીમાં કુલ 13,109.17 કરોડ રુપિયાની વસૂલાત કરી છે. તેના માટે જે સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી તે સંલગ્ન બેન્ક કોન્સોર્ટિયમોને સોંપાઈ છે અથવા તો સરકારની પાસે છે.