મુંબઇઃ બેન્કનું લાઇસન્સ રદ થાય, બેન્ક ફડચામાં કે નાદાર થાય અથવા બેન્કનું ઉઠામણું થવાની ઘટનાઓમાં થાપણદારોને રોવાનો વાર આવે છે. આવી પરિસ્થિતિઓને ટાળવા અને થાપણદારોને પુરતી સુરક્ષા આપવા માટે સરકારે કાયદામાં સુધારો કરવાની મંજૂરી આપી છે. આથી જો કોઇ બેન્ક ફડચામાં જાય તેના થાપણદારો 90 દિવસની દર 5 લાખ રૂપિયા સુધીની રકમ પોતાના ખાતામાંથી ઉપાડી શકશે.
કેન્દ્ર સરકારે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) એક્ટમાં સંશોધન કરવાની મંજૂરી આપી દીધી છે. આ હેઠળ જો કોઇ બેન્ક ફડચામાં જાય તો તેના થાપણદારોને 90 દિવસની અંદર 5 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી અપાશે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો છે.
ઉલ્લેખનિય છે કે, કોઇ બેન્ક નાદાર થયા કે ફડચામાં જાય અથવા લાઇસન્સ રદ થાય તો તેના થાપણદારોની 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત રહે છે, પછી ભલે ખાતાધારકની જમા રકમ તેનાથી વધારે કેમ ન હોય. અગાઉ ખાતાધારકની જમા રકમનું વીમા કવચ એક લાખ રૂપિયા જ હતુ, પરંતુ ત્યારબાદ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યુ છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમને બજેટ પ્રવચનમાં ડીઆઇસીજીસી એક્ટમાં સંશોધનની ઘોષણા કરી હતી અને આ અંગેનો પ્રસ્તાવ સંસદના ચાલુ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ઘણી બેન્કોના લાઇસન્સ રદ કરવામાં આવતા અને કેટલીક બેન્કો ફડચામાં જવાની ઘટનાથી થાપણદારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. તેમાં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક (પીએમસી બેન્ક)ની ઘટના બાદ થાપણદારોને હજી સુધી તેમની મહામૂલી બચત પરત મળી નથી. પીએમસી બેન્ક, યસ બેન્ક અને લક્ષ્મી વિલાસ બેન્કની ઘટનાઓથી થાપણદારોને બેન્કમાં જમા થાપણો અંગે સતત ચિંતા સતાવી રહી છે.