ગાંધીનગર: કોરોના સંક્રમણના ચાર મહિના એવા કપરાં ગયા છે કે બિઝનેસ તો ઠીક ભગવાન માટેની દાનની આવકમાં પણ ચોંકાવનારો ઘટાડો થયો છે. લોકડાઉનમાં મંદિરો બંધ હોવાથી લોકો દર્શન કરવા જઇ શકતા ન હતા. દાન પેટીમાં દાનની રકમ પણ ઘટી છે. ઓનલાઇન દાન આપવાની અપીલ કામે લાગી નથી. આ મહામારીએ સોમનાથ, દ્વારકા, ડાકોર અને અંબાજીની આવકમાં મોટો ઘટાડો કર્યો છે.
ગુજરાતના આ મુખ્ય મંદિરોની ટ્રસ્ટની આવક એટલી બઘી થતી હતી કે પૂજારીઓના માસિક પગાર પણ લાખોની રકમમાં ચૂકવાતા હતા. આ મંદિરોના ટ્રસ્ટ એટલા બઘાં સદ્ધર છે કે તેઓ જાતે સિક્યોરિટી ગાર્ડ્સની સુવિધા રાખી શકે છે. મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી શકે છે. માર્ગો બનાવી શકે છે. સ્કૂલો બનાવી શકે છે. વિપુલ માત્રામાં પ્રતિદિન શ્રદ્ધાળુઓ દાનની સરવાણી વહાવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણે દાન પેટીઓ ખાલી કરી દીધી છે. મંદિર ટ્રસ્ટની માસિક કમાણી 90 ટકા સુધી ઘટી ગઇ છે.
ગુજરાતમાં 23મી માર્ચથી દેશવ્યાપી લોકડાઉન શરૂ થયું હતું જે 8મી જુન સુધી ચાલ્યું હતું. સરકારે 8મી જૂને મંદિરો ખોલવાની પરમિશન આપી હતી તેમ છતાં વિવિધ મંદિરો વહેલાં-મોડા ખૂલ્યાં હતા. સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું હોવાથી મંદિરોમાં ભક્તોની ભીજ થવા દેવામાં આવતી નથી. ઓનલાઇન મંજૂરીથી દર્શન કરવા દેવામાં આવે છે. બીજી તરફ અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ ગુજરાતમાં આવી શકતા નહીં હોવાથી મંદિરમાં ભક્તોની સંખ્યા ઓછી થઇ છે.
ગુજરાતના પ્રસિદ્ધ ડાકોર મંદિરમાં કોરોના સંક્રમણ પહેલાં રોજના 5000 શ્રદ્ધાળુઓ દર્શને આવતા હતા જ્યારે અનલોકના સમયમાં અત્યારે માત્ર 1000 થી 1200 જેટલા શ્રદ્ધાળુઓ મંદિરમાં આવે છે. આ મંદિરની આવક પણ દર મહિને એક કરોડ રૂપિયાથી ઘટીને બે લાખ રૂપિયા થઇ છે.
સોમનાથ મંદિરમાં માસિક આવક ત્રણ થી સાડા ત્રણ કરોડ રૂપિયા થતી હોય છે પરંતુ અત્યારે કોરોના સંક્રમણના સમયમાં આવક માત્ર 17 લાખ રૂપિયા થાય છે. આ મંદિરમાં 650 લોકોનો સ્ટાફ છે તેથી તેમને દર મહિને પગાર પણ કરવાનો હોય છે. આ પગારની રકમ પણ એક કરોડ રૂપિયા જેટલી છે. લોકો કોરોનાના કારણે ધાર્મિક સ્થળોની મુસાફરી કરતાં ડરી રહ્યાં છે.
રાજ્યમાં સૌથી વધુ આવક મેળવતા યાત્રાધામ અંબાજીમાં આ વખતે ભાદરવી પૂનમનો મેળો પણ યોજાવાનો નથી. આ મંદિરમાં પ્રતિદિન 4000 શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. વિકએન્ડમાં તો આ સંખ્યા 8000 જેટલી થાય છે. ભાદરવી પૂનમના મેળામાં 25 લાખ લોકો આવતા હોય છે. આ મંદિરની માસિક આવક પાંચ કરોડ રૂપિયા એવરેજ આવતી હોય છે પરંતુ લોકડાઉન અને કોરોના સંક્રમણના કારણે આવક ઘટીને માસિક 30 લાખ રૂપિયા થઇ ગઇ છે.
એવી જ રીતે દ્વારકામાં પણ પ્રતિદિન 5000 જેટલા ભક્તો દર્શન કરવા આવતા હોય છે પરંતુ આ સમયમાં ભક્તોની સંખ્યા 1200 જેટલી જોવા મળી છે. ભગવાન શ્રીકૃષ્ણના આ ધામમાં દર મહિને એક કરોડ રૂપિયા દાનમાં આવતા હોય છે તેની જગ્યાએ અત્યારે માત્ર 15 લાખ રૂપિયા દાન આવે છે. આ મંદિરમાં આવતું દાન માત્ર ઓનલાઇન જોવા મળે છે. ફિજીકલ દાનની રકમ હજી શરૂ થઇ નથી.