ગુજરાતમાં કોંગ્રેસને સંપૂર્ણ સત્તા 1985 થી 1990માં મળી હતી ત્યારપછી ચીમનભાઇ પટેલની ગઠબંધન સરકારના દોઢ-બે વર્ષને બાદ કરતાં કોંગ્રેસને સત્તામાં બેસવાનો વારો આવ્યો નથી. એવું કહી શકાય કે કોંગ્રેસ છેલ્લા 29 વર્ષથી સત્તામાં નથી.
રાજ્યમાં મતદારોની નવી પેઢીએ કોંગ્રેસનું શાસન ગુજરાતમાં જોયું નથી તેમ છતાં એક બાબતનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે કોંગ્રેસનું સંગઠન આજેપણ આખા ગુજરાતમાં ફેલાયેલું છે. આટલા વર્ષોમાં કોંગ્રેસ સત્તાથી બહાર છે પરંતુ આજેપણ રાજ્યના પ્રત્યેક ગામ અને મહોલ્લામાં કોંગ્રેસનો કાર્યકર્તા મોજૂદ છે.
સમસ્યા એવી છે કે પાર્ટીમાં તેમને પૂછનાર કોઇ નેતા નથી. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કાર્યકરોને માત્ર ચૂંટણી સમયે યાદ કરે છે. કોંગ્રેસે છેલ્લા 15 વર્ષમાં પાર્ટીના કાર્યકરોનું સંમેલન બોલાવ્યું હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. 15મી ઓગષ્ટ, 26મી જાન્યુઆરી અને કોંગ્રેસ દિન પ્રસંગે પાર્ટીનો કાર્યકર્તા ગાંધી ટોપી પહેરી હાથમાં ત્રિરંગો લઇને જોવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓ તેમને જોઇને ખુશ થાય છે પરંતુ પછી ભૂલી જાય છે. કાર્યકરો સાથે સતત સંપર્ક રાખવામાં આવતો નથી.
હવે ગુજરાત પછી ભારતનું રાજકારણ બદલાયું છે. આ બદલાવના પ્રણેતા એકમાત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. વોટબેન્કની રાજનીતિ તેમણે સમાપ્ત કરી છે. કોંગ્રેસ હજી પણ તેની જૂની પુરાણી સિસ્ટમમાંથી બહાર નહીં આવે તો 2022ની વિધાનસભા અને 2024ની લોકસભાની ચૂંટણી સમયે દેશમાં માત્ર એક જ પાર્ટીની સરકાર હશે. મોદી કે ભાજપ જે બોલશે તે પરિણામ આવશે.
પ્રમુખશાહીથી બચવા માટે લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઇશે. આ મજબૂતી માટે કોંગ્રેસના એક સિનિયર નેતાએ ખૂબ જ ઉત્તમ જવાબ આપ્યો છે. તેમણે કોંગ્રેસના મોટાગજાના નેતાઓની આંખો ખોલવા કહ્યું કે – જો હાલની સ્થિતિ રહી તો વિધાનસભા અને લોકસભામાં કોંગ્રેસ શૂન્ય પ્રતિનિધિત્વ કરતી હશે પરંતુ જો કોંગ્રેસનો ચહેરો બદલવો હોય અને સફળતા મેળવવી હોય તો પાર્ટીએ પ્રખર હિન્દુત્વનો ઝંડો ફેલાવવો પડશે, કેમ કે ભારત દેશમાં હિન્દુઓની વસતીનું પ્રમાણ સૌથી વધુ છે.
નરેન્દ્ર મોદી અને ભાજપ સામે ટક્કર લેવી હશે તો કોંગ્રેસે રાહુલ ગાંધીનું સોફ્ટ હિન્દુત્વ નહીં પણ કટ્ટર હિન્દુત્વ પસંદ કરી ન્યૂ ઇન્ડિયામાં નવી દિશા ખોલવી પડશે. બદનસીબે કોંગ્રેસ 2017 અને 2019ની ચૂંટણીમાં આ ગાડી ચૂકી ગઇ છે. હજી પણ કોંગ્રેસ પાસે સમય છે.કોંગ્રેસના સિનિયર નેતા કહે છે કે 2022 પહેલાં કોંગ્રેસ તેના આદર્શ અને જૂની પુરાણી ઘરેડમાંથી બહાર આવે તો ગુજરાતમાં તેને ફાયદો થશે, અન્યથા પરિણામ સામે છે. કોંગ્રેસ 2022માં 100 બેઠકો પ્રાપ્ત કરે તો પણ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ કોંગ્રેસને શાસન કરવા નહીં દે, કારણ કે તેઓ કોંગ્રેસના 20 થઈ 25 ધારાસભ્યોને ખરીદીને સત્તામાં આવી જશે. કોંગ્રેસને માત્ર ગુજરાતના ગામડાઓમાં જીવંત કરીને શહેરો પ્રત્યે ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે.