ગુજરાત ભાજપનો રસપ્રદ ઇતિહાસ જોઇએ તો પાર્ટીને પ્રથમ સંપૂર્ણ સત્તા દક્ષિણ ગુજરાતના નેતાએ અપાવી છે પરંતુ ત્યારપછીના સૌરાષ્ટ્રના નેતાઓએ પાર્ટીને ગુજરાતમાં સત્તા અપાવી છે. દક્ષિણ ગુજરાત પચી સૌરાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ ભાજપને ફળ્યા છે. ઉત્તર ગુજરાતના એકમાત્ર નેતા શંકરસિંહ વાઘેલા પાર્ટી પ્રેસિડેન્ટ રહી ચૂક્યાં છે પરંતુ તેઓએ તેમના કાર્યકાળ દરમ્યાન પાર્ટીના સત્તા અપાવી નથી.
1995માં ભાજપને જ્યારે પહેલીવાર સત્તા મળી ત્યારે કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ હતા. તેમણે ભાજપને સત્તા અપાવવા ખૂબ મહેનત કરી હતી. કાર્યકર્તાઓને ચાર્જમાં રાખવાનું કામ આ સુરતી નેતાએ કર્યું હતું પરંતુ સમય જતાં પાર્ટી આ નેતાને ભૂલી ચૂકી હતી છેવટે નવી પાર્ટીમાં જઇને આ નેતાએ અંતિમ શ્વાસ લીઘા હતા. તેમના પછી તેમના સિવાયના બીજા નેતાઓ સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે અને સફળ રહ્યાં છે.
ગુજરાતમાં ભાજપને પૂર્ણ સત્તા દક્ષિણ ગુજરાતે અપાવી છે પરંતુ જ્યારથી ભાજપ સત્તામાં છે ત્યારથી અત્યાર સુધી ભાજપને સૌરાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ ફળ્યા છે. શંકરસિંહ વાઘેલા કે જેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે તેઓ ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હતા. ગુજરાત ભાજપના પ્રમુખપદે કેશુભાઇ પટેલ હતા ત્યારે પાર્ટીએ ગુજરાતમાં બહુ મોટો સંઘર્ષ કર્યો હતો. સત્તામાં આવવા માટે ભાજપ પાસે કોઇ કારણ ન હતા. 1988 પછી હિન્દુત્વનો કેવળ રાષ્ટ્રીય એજન્ડા નક્કી થયો હતો જેના કારણે ભાજપને 1995માં સંપૂર્ણ સત્તા મળી હતી.
ગુજરાતમાં ભાજપને સત્તા અપાવવામાં કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા, ચીમન શુક્લ, કાશીરામ રાણા, નારસિંહ પઢિયાર, નરેન્દ્ર મોદી અને સંજય જોષીનો બહુ મોટો હાથ હતો. કેશુભાઇ અને શંકરસિંહ એ બન્ને એવા નેતા છે કે જેમણે ગુજરાતના તમામ ગામડા ખૂંદેલા છે. ગુજરાતમાં ભાજપની સત્તા આવી ત્યારે સંગઠનના મુખ્ય હોદ્દા પર દક્ષિણ ગુજરાતના સિનિયર નેતા કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ હતા. એ પછી રાજેન્દ્રસિંહ રાણા, વજુભાઇ વાળા, પરસોત્તમ રૂપાલા અને આર.સી. ફળદુએ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યું છે.
વજુભાઇ વાળા, આર.સી.ફળદુ અને રાજેન્દ્રસિંહ રાણાના સમયમાં પાર્ટીને વિવિધ ચૂંટણીમાં વિજયની મોટી તક મળી હતી. પાર્ટીએ છેલ્લે પ્રદેશ પ્રમુખની જવાબદારી વિજય રૂપાણીને આપી હતી પરંતુ તેઓ લાંબો સમય સુધી રહ્યાં નહીં. તેમને પછી સરકારમાં લઇ લેવામાં આવ્યા હતા. તેમના પછી ભાવનગરમાંથી પાર્ટીએ જીતુ વાઘાણીને પાર્ટી પ્રેસિડેન્ટની તક આપી છે અને તેમના નેતૃત્વમાં વિધાનસભાની 2017ની વિધાનસભા લડવામાં આવી હતી.
ગુજરાતમાં જનસંઘ થી લઇને ભાજપ માટે પાંચ દસકા સુધી લોહી પસિનો એક કરનારા કાશીરામ રાણા મુખ્યમંત્રી બની શક્યા નહીં તેનો દક્ષિણ ગુજરાતને વસવસો છે. 1996માં એક તક મળી હતી પરંતુ પાર્ટી હાઇકમાન્ડે છેવટે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. 1995માં કાશીરામ રાણા ભાજપના પ્રદેશ પ્રમુખ હતા અને તેમના પ્રખર જોડીદાર ફકીર ચૌહાણ સુરત ભાજપના પ્રમુખ હતા ત્યારે ન ભૂતો ન ભવિષ્યતિ ની જેમ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 99માંથી 98 બેઠક મળી હતી. નરેન્દ્ર મોદીનો જાદુ ચરમસીમાએ હતો ત્યારે પણ ભાજપ આ સિદ્ધિ પાછી મેળવી શક્યું નથી.
સુરતમાં સતત છ વખત લોકસભામાં જીતવાનો કાશીરામ રાણા અને મોરારજીભાઇ દેસાઇનો રેકોર્ડ રહ્યો હતો. 1989 થી 2009 સુધી સતત છ ટર્મ સુધી સુરત લોકસભાની ચૂંટણી જીતી તેમણે મોરારજી દેસાઇની બરોબરી કરી હતી. 2009માં નરેન્દ્ર મોદીના કહેવાથી કાશીરામ રાણાને ટિકિટ આપવામાં આવી ન હતી. ભાજપનો એક સુવર્ણકાળ હતો કે જ્યારે પાર્ટીનો સૂર્યોદય થયો હતો. આજે 1995 પછી પહેલીવાર દક્ષિણ ગુજરાતના મોદી સમર્થક નેતા અને લોકસભાના સાંસદ સીઆર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને તેમના નેતૃત્વમાં પાર્ટી સ્થાનિક ચૂંટણીઓ ઉપરાંત 2022ની વિધાનસભાની ચૂંટણી લડવા માગે છે.