ભારત અને એશિયાના સૌથી મોટા ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ 31 માર્ચ, 2021ના રોજ સમાપ્ત થયેલ નાણાંકીય વર્ષમાં પોતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી એક પણ રૂપિયાનો પગાર લીધો નથી. કોરોના વાયરસની મહામારીના પ્રકોપથી વેપાર ને અર્થવ્યવસ્થા પ્રભાવિત થવાના કારણે તેમણે સ્વેચ્છાએ પોતાનું વેતન જતુ કર્યુ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નવા વાર્ષિક અહેવાલમાં જણાવાયુ છે કે નાણાંકીય વર્ષ 2020-21ની માટે મુકેશ અંબાણીનું વેતન ‘શૂન્ય’ હતુ. આની પૂર્વે ગત નાણાંકીય વર્ષમાં તેમણે કંપની તરફથી 15 કરોડ રૂપિયાનું વેતન મેળવ્યુ હતુ, જે છેલ્લા 15 વર્ષે આટલું જ છે.
મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી, જે કંપનીના બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, તેમને પ્રત્યેક બેઠક માટે 8 કરોડ રૂપિયા અને વાર્ષિક 1.65 કરોડ રૂપિયાનુ કમિશન મળ્યુ છે. આ દરમિયાન તમામ સ્વતંત્ર ડિરેક્ટરોને 1.65 કરોડ રૂપિયાનું કમિશન અને 36 લાખ રૂપિયા સુધીની સિટિંગ ફી મળી છે.