મુંબઇઃ કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે અચાનક વિપ્રોના ચેરમેન દાનવીર અઝીમ પ્રેમજી ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યા. તેનું કારણ વર્ષ 2020માં કરેલુ જંગી દાન છે.
દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને શિવ નાડર સહિત દેશના ઉદ્યોગ જગતે કોરોના મહામારી દરમિયાન પીડિતો માટે દિલ ખુલીને દાન કર્યુ છે. જેમાં 7904 કરોડ રૂપિયાના દાન સાથે વિપ્રોના સ્થાપક અને ચેરમેન અઝિમ પ્રેમજી સૌથી ઉપર છે. એડલગિવ હુરુન પરોપકાર લિસ્ટ-2020ના 7મી એડિશનમાં સૌથી વધુ દાન કરનાર વ્યક્તિઓના નામ જાહેર કરાયા છે જેમાં એચસીએલ ટેકનોલોજીના સ્થાપક શિવ નાડર 795 કરોડ રૂપિયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 458 કરોડ રૂપિયાના દાન સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે.
રિપોર્ટ મુજબ અઝીમ પ્રેમજી એ દરરોજ 22 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. એટલે કે કુલ મળીને તેમણે વર્ષ 2020 દરમિયાન 7904 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આ રિપોર્ટમાં આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા 276 કરોડ રૂપિયા અને વેદાંતા ગ્રૂપના પ્રમુખ અનિલ અગ્રવાલ 215 કરોડ રૂપિયાના દાન સાથે અનુક્રમે ચોથા અને પાંચમાં સ્થાન પર છે. આ રિપોર્ટ મુજબ વર્ષ 2020માં કુલ દાન 175 ટકા વધીને 12050 કરોડ રૂપિયાએ પહોંચી ગયુ છે. રોહિણી નીલેકણી, જે રોહિણી નીલેકણી પરોપકારના માધ્યમથી દાન કરે છે, ભારતની સૌથી ઉદાર મહિલા છે. ત્યારબાદના ક્રમે અનુ આગા અને થર્મેક્સનો પરિવાર છે.