નવી દિલ્હીઃ કોરોના મહામારી અને માંગ ઘટવાના કારણે ભારતનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર મંદીના ભરડામાં ફસાઇ ગયુ છે. માર્ચ મહિનાનો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો પર્ચેઝ મેનેજર ઇન્ડેસ (PMI) ઇન્ડેક્સ ઘટીને 55.4 ના લેવલે ઉતરી ગયો છે જે છેલ્લા 7 મહિનાનું સૌથી નીચું લેવલ છે. ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો PMI ગ્રોથ 57.5ના લેવલે નોંધાયો હતો. આઇએચએસ માર્કિટના આંકડાઓ મુજબ માર્ચમાં ફેક્ટરીઓમાં ઉત્પાદન 7 મહિનાના સૌથી નીચા લેવલે આવી ગયુ છે. કોરોના વાયરસની બીજી લહેરના લીધે ભારતના અલગ-અલગ વિસ્તારોમાં કોવિડ સંબંધિત પ્રતિબંધોની મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર સ્પષ્ટ નકારાત્મક અસર જોવા મળી રહી છે.
પાછલા સપ્તાહે જ કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચેની એક બેઠકમાં રાજયોને સલાહ અપાઇ છે કે તેઓ કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે કડક પગલાં લઇ શકે છે. ત્યારબાદ રાજ્યોએ કોવિડ સંબંધિત પ્રતિબંધો વધાર્યા છે. હાલની પરિસ્થિતિમાં એવી દહેશત છે કે એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઉત્પાદનની પ્રવૃત્તિઓમાં ભારે ઘટાડો થશે અને તેના લીધે PMI ગ્રોથ રેટ હજી નીચે જઇ શકે છે.
PMIમાં 50ની ઉપરનું લેવલ અર્થતંત્રમાં વિસ્તરણના સંકેત આપે છે જ્યારે 50ની નીચેનું લેવલ સંકોચન દર્શાવે છે.
ઉલ્લેખનિય છે કે, કાચામાલના ભાવ વધવાથી ઉત્પાદન ખર્ચ વધ્યુ અને તેના પરિણામ સ્વરૂપ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. ફેબ્રુઆરીમાં મોંઘવારી દર ઘટ્યો અને તે રિઝર્વ બેન્કના 2-6 ટકાના નિર્ધારિત ટાર્ગેટની અંદર રહ્યો છે.