ભારતીયોમાં શેરબજારમાં રોકાણ કરીને ધનવાન બનવાની ઇચ્છાઓ પ્રબળ થઇ રહી છે. તેમાંય કોરોના સંકટમાં ઘરે બેઠાં સ્ટોક ટ્રેડિંગનો ચસ્કો લાગ્યો છે. જેને પગલે ભારતમાં સ્ટોક ટ્રેડિંગ કરનાર લોકોની સંખ્યા 7 કરોડને વટાવી ગઇ છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ના યુનિટ ક્લાયન્ડ કોડમાં રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની કુલ સંખ્યા 7 કરોડથી (કુલ 7,01,71,154) વધુ ગઇ છે અને તેમાં વાર્ષિક ધોરણે 39 ટકાની વૃદ્ધિ થઈ છે. માત્ર 139 દિવસમાં એક્સચેન્જ ખાતે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની સંખ્યા 6 કરોડથી વધીને 7 કરોડે પહોંચી ગઇ છે. ભારતીય શેરબજારમાં રજિસ્ટર્ડ ઈન્વેસ્ટરોની સંખ્યા થાઈલેન્ડની કુલ વસ્તી જેટલી છે.
ભારતમાં રાજ્ય પ્રમાણ બીએસઇમાં રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની સંખ્યા જોઇએ તો શેરબજારમાં ટ્રેડિંગ કરનાર લોકો મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં દોઢ કરોડ લોકો શેરબજારમાં ટ્રેડિંગ કરે છે તો બીજા ક્રમે ગુજરાત છે. ગુજરાતમાંથી બીએસઇમાં રજિસ્ટર્ડ હોય તેવા ઇન્વેસ્ટરોની સંખ્યા 86 લાખ છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશમાંથી 52.78 લાખ, તામિલનાડુમાંથી 42.59 લાખ, તથા કર્ણાટકમાંથી 42.47 લાખ ઈન્વેસ્ટરો છે.
ક્યાં રાજયમાં કેટલા રોકાણકાર
રાજ્ય | રોકાણકારોની સંખ્યા |
મહારાષ્ટ્ર | 1,50,72,484 |
ગુજરાત | 86,19,080 |
ઉત્તરપ્રદેશ | 52,78,006 |
તમિલનાડુ | 42,59,166 |
કર્ણાટક | 42,47,230 |
બીએસઇના યુનિક ક્લાયન્ડ કોડના વિશ્લેષણખી એવુ તારણ બહાર આવે છે કે રજિસ્ટર્ડ કુલ સાત કરોડ ઈન્વેસ્ટરોમાંથી 38 ટકા રોકાણકારો 30થી 40 વર્ષની ઉંમરના છે અને તેમની સંખ્યા 2.68 લાખ છે. ત્યારબાદ 1.68 કરોડ રોકાણકારોની ઉંમર 20થી 30 વર્ષ વચ્ચેની છે અને કુલ રોકાણકારોમાં તેમની ભાગીદારી 24 ટકા છે. તેવી જ રીતે ત્યારબાદ 87.7 લાખ રોકાણકારો એવા છે જેમની ઉંમર 40થી 50 વર્ષની વચ્ચેની છે અને કુલ રોકાણકારોમાં તેની ભાગીદારી 13 ટકા છે. અહીં રસપ્રદ બાબત એ છે 13.2 લાખ રોકાણકારો એવા છે તેમની ઉંમર કેટલી છે તેની માહિતી ઉપલબ્ધ નથી.