મુંબઇઃ ભારતીય શેરબજારમાં ત્રણ દિવસના સુધારા બાદ ફરી ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહના ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 155 ઘટીને 46591ના લેવલે બંધ થયો હતો. આજે સેશન દરમિયાન સેન્સેક્સ 49906ની ઉંચી અને 49461ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. નિફ્ટી પણ 39 પોઇન્ટ ઘટીને 14834ના સ્તરે બંધ થયો હતો.
આજે સેન્સેક્સના 30માંથી 17 બ્લુચિપ સ્ટોક ઘટ્યા હતા. જેમાં આઇસીઆઇસીઆઇ બેન્ક 1.8 ટકા, એક્સિસ બેન્ક અને એનટીપીસી બે ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.2 ટકા ને બજાજ ફાઇનાન્સનો શેર 3.2 ટકા ઘટીને ટોપ-5 લૂઝર્સ બન્યા હતા. બેન્કિંગ સેક્ટરના શેરમાં વેચવાલીનો ટ્રેન્ડ ચાલુ રહેતા આજે પણ બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 335 પોઇન્ટ તૂટીને 32448ના લેવલ પર બંધ થયો હતો. આજે રિલાયન્સ અને હેવીવેઇટ્સ બેન્કિંગ સ્ટોક ઘટવાથી સેન્સેક્સમાં સુધારાની ચાલને બ્રેક લાગી હતી.
આજે મિડકેપ ઇન્ડેક્સ સાધારણ ડાઉન હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ પોણા ટકા વધ્યો હતો. તો સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં આઇટી-ટેક અને હેલ્થકેર તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાયના તમામ ઇન્ડેક્સ ડાઉન હતા. હેલ્થકેર ઇન્ડેક્સ સૌથી વધુ 2.3 ટકા વધ્યો હતો. કોરોના સંકટમાં હેલ્થકેર સેક્ટરનું વેચાણ વધવાની અપેક્ષા એ આ સેક્ટરની કંપનીઓના શેર ફરી મજબૂત થઇ રહ્યા છે. જો કે ગુરુવારે 4.4 ટકાની મજબૂતી દેખાડ્યા બાદ મેટલ ઇન્ડેક્સ શુક્રવારે 1.1 ટકા અને પાવર ઇન્ડેક્સ 1.1 ટકા ઘટ્યા હતા.
શેરબજારનો અંડરકરંટ નબળો હોવા છતાં આજે બીએસઇની માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ હતી. આજે બીએસઇ ખાતે 1656 કંપનીના શેર વધીને જ્યારે સામે 1249 કંપનીના શેર ઘટીને બંધ થયા હતા. આજે બીએસઇની માર્કેટકેપ ઘટીને 209.62 લાખ કરોડ રૂપિયા રહી હતી.