મુંબઇઃ ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણથી શેરબજારમાં ભૂકંપ આવ્યો છેે. જંગી વેચવાલીના દબાણથી સેન્સેક્સમાં સેશનની શરૂઆતમાં જ 1470 પોઇન્ટનો આંચકો આવ્યો 47362ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીએ જતો રહ્યો હતો. જો કે નીચા મથાળે થોડીક રિકવરી આવતા સેન્સેક્સ ઉપરમાં 48020 સ્પર્શ્યો હતો જો કે તેની ઉપર બંધ રહેવામાં નિષ્ફળ રહ્યો. આમ સેન્સેક્સ આજે 882.61 પોઇન્ટ કે 1.81 ટકા તૂટીને 47949ના લેવલે બંધ થયો હતો. જે કેલેન્ડર વર્ષ 2021માં ભારતીય શેરબજારનો પાંચમો સૌથી મોટો એક દિવસીય કડાકો છે. નિફ્ટી 14191ની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી અંતે સેશનના અંતે 258 પોઇન્ટ તૂટીને 14359 બંધ થયો હતો.
આજે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ હતો. જંગી વેચવાલીના લીધે સેન્સેક્સ 30માંથી 28 બ્લુચિપ સ્ટોક ઘટ્યા હતા. જેમાં લાર્સન 3.6 ટકા, કોટક બેન્ક 3.6 ટકા, ઇન્ડ્સઇન્ડ બેન્ક અને ઓએનજીસી 3.9 ટકા અને પાવરગ્રીડનો શેર 4.2 ટકા તૂટ્યો હતો.
આજે સોમવારે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની કૂલ માર્કેટવેલ્યુએશન 201.77 લાખ કરોડ રૂપિયા રહી હતી જે ગત શુક્રવારે 205.23 લાખ કરોડ રૂપિયા હતી. આમ આજે રોકાણકારોને 3.46 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.
ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણથી શેરબજાર દહેશતમાં છે અને તમામ સેક્ટોરિયલ સ્ટોકમાં જંગી વેચવાલી જોવા મળી રહી છે. આજે બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ ડાઉન હતા. આજે બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 1.93 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.64 ટકા તૂટ્યા હતા. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં આજે રિયલ્ટી ઇન્ડેક્સ 4 ટકા, કેપિટલ ગુડ્સ – પાવર ઇન્ડેક્સ 3 ટકા, ઓઇલ-ગેસ, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ અઢી ટકા જેટલા ખરડાયા છે.