નવી દિલ્હીઃ મહામારી વચ્ચે મોંઘવારીનો માર પડી રહયો છે. હજી ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારે જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને તેના કારણે સામાન્ય લોકોનું બજેટ બગડી ગયુ છે. લિંબૂ અને લસણના ભાવ તો 100 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગયા છે. જાણકારોનું કહેવુ છે કે, ગરમીની સિઝનમાં ઝડપી આવી જતાં શાકભાજીના કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.
લિંબૂની ડિમાન્ડ ગરમીની સિઝનમાં ખૂબ વધી જાય છે. હાલના સમયમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે લિંબૂની કિંમતમાં મોટો વધારો થયો છે. દિલ્હીના માર્કેટયાર્ડની વાત કરીએ તો, અહીં લસણ અને લિંબૂના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ ઉપરાંત શાકભાજીના ભાવોમાં પણ વધારો જોવા મળ્યો છે. ભિંડા, તુરીયાના ભાવ 90 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. તો વળી બીજી બાજૂ પરવળ અને કારેલાની કિંમત 70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.
દિલ્હીની માર્કેટયાર્ડના વેપારીઓનું કહેવુ છે કે, શાકભાજીની સપ્લાઈમાં કોઈ સમસ્યા નથી, આવક એકદમ બરોબર થઈ રહી છે. તો વળી બીજી બાજૂ ગરમી પણ ફૂલ વધી રહી છે. જેના કારણે બટેટા, કોબિજ સહિત સિઝનની અન્ય શાકભાજીની કિમતમાં વધારો થવાનો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર જેમ જેમ ગરમી વધતી જશે, તેમ તેમ શાકભાજી ઝડપી ખરાબ થતી જાય છે, તેથી તેને સ્ટોરમાં રાખવી પડે છે. કેટલાય એવા ખેડૂતો છે, જે ખેતરમાંથી શાકભાજી લાવીને સીધી માર્કેટમાં પહોંચાડે છે.
જાણકારોનું માનીએ તો, તાજી શાકભાજી માર્કેટમાં નિર્ધારિત કિંમત પાર કરીને વેચાઈ રહી છે. પણ તે સુકાઈ જતાં તેના ભાવ નીચે જતાં રહે છે. જેના કારણે શાકભાજીના ભાવોમાં અસર વર્તાઈ રહે છે. જો કે, અમુક શાકભાજીના ભાવોમાં મંદી જોવા મળે છે. કેટલાય ભાજી એવા છે, જેની સિઝન જતી રહેતા તેના ભાવો આસમાને પહોંચતા હોય છે. સિઝન વગર શાકભાજી ઉગાડવામાં ખાસ્સી મહેનત થાય છે. તેથી તેના ભાવ પણ વધારે લેવાતા હોય છે.