વિમાન મુસાફરો માટે રાહતજનક સમાચાર છે. હવે વિમાનમાં મુસાફરી કરતા લોકોને ફરજિયાત નેગેટિવ RTPCR ટેસ્ટ રિપોર્ટમાં રાહત આપી છે. કેન્દ્ર સરકાર મુશ્કેલી વગરની ઘરેલુ હવાઇ મુસાફરીને સક્ષમ બનાવવા અને રસીના બંને ડોઝ લીધેલા મુસાફરોને ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટની સિસ્ટમને ખતમ કરવા વિચારી રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ આ માહિતી આપી છે.
તેમણે કહ્યું, “આરોગ્ય વિભાગ સહિત અનેક મંત્રાલયો અને હિતધારકોની સંયુક્ત ટીમ, રસીના બંને ડોઝ પ્રાપ્ત કરનારાઓને આરટી-પીસીઆર ટેસ્ટ વિના હવાઇ મુસાફરીની મંજૂરી આપવાનો અંતિમ નિર્ણય લેવા અંગેની ચર્ચા કરી રહી છે.” તેમણે કહ્યું કે આ નિર્ણય એકલું MoCA જ નહીં લે, સરકાર સાથે કાર્યરત આરોગ્ય નિષ્ણાતો સહિત નોડલ એજન્સીઓ પણ મુસાફરોના હિતમાં નિર્ણય લેવામાં યોગદાન આપશે.
હાલમાં, સ્થાનિક મુસાફરોને ફરજિયાતપણે અમુક રાજ્યોમાં પ્રવાસ કરતા પહેલા નેગેટીવ આરટી-પીસીઆર રિપોર્ટ રજુ કરવાનું કહેવામાં આવે છે જ્યાં એક્ટિવ કોરોના કેસ હજી વધુ છે. પુરીએ કહ્યું, “આરોગ્ય એ રાજ્યનો વિષય છે. રાજ્યમાં પ્રવેશતા પહેલા મુસાફરો પાસેથી નેગેટીવ આરટી-પીસીઆર રિપોર્ટ માંગવા તે ચોક્કસ રાજ્યનો અધિકાર છે.”