મોબાઇલનું સીમકાર્ડ એપગ્રેડ કરવાની લાલચ આપીને બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા સેરવી લેવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે, જેમાં ગુજરાતની સરકારી કચેરીના એક મહિલા અધિકારી ભોગ બન્યાં છે. તેઓ સીમકાર્ડ અપગ્રેડ કરાવવાની લાલચમાં આવી જતાં 2.50 લાખની રકમ તેમજ પ્રિ-એપ્રુવ્ડ લોન મળીને કુલ 8.50 લાખ રૂપિયા ઉપડી ગયા છે.
સેલ્યુલર ગઠિયાઓ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરની ઓળખ આપી સીમકાર્ડ અપગ્રેડ કરાવવા માટે મોબાઇલ ફોન કરે છે. તેઓ અપગ્રેડેશન માટે એક એસએમએસ મોકલે છે. આ એસએમએસ ઓપન કરતાં મોબાઇલ નેટવર્ક બંધ થઇ જાય છે અને મોબાઇલ ફોન હેગ થાય છે, ત્યારબાદ માફિયાઓ બેન્ક એકાઉન્ટ તપાસી રૂપિયાની ઉઠાંતરી કરતા હોય છે. આ ગઠિયાઓ 24 કલાકમાં મોબાઇલ નંબર જે બેન્ક એકાઉન્ટ સાથે લીંક હોય છે તેમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હોય છે.
ગાંધીનગરમાં આવેલી ગુજરાત પંચાયત પસંદહી બોર્ડમાં પીએ તરીકે નોકરી કરતી એક મહિલા અધિકારીને આવા સાયબર માફિયાઓએ ફોન કર્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ આઇડિયાનું 3-જી સીમકાર્ડ અપગ્રેડ કરીને 4-જીમાં કન્વર્ટ કરવાની લાલચ આપી હતી. આ મહિલા અધિકારી લાલચમાં આવી જતાં ગઠિયાઓએ એસએમએસનો જવાબ આપવાનું કહ્યું હતું અને જ્યારે જવાબ આપ્યો ત્યારે ફોન હેન્ગ થયો હતો અને નેટવર્ક જતું રહ્યું હતું.
આ મહિલા અધિકારી રેખાબેન યાદવ પંચાયત પસંદગી બોર્ડમાં નોકરી કરે છે. આઇડિયા કંપનીના એક્ઝિક્યુટીવના નામે તેમના પર ફોન આવ્યો હતો અને સીમકાર્ડની સર્વિસ અપગ્રેડ કરવા કહ્યું હતું. આ માફિયાઓએ એસએમએસ કરીને મહિલા અધિકારીને અગ્રેજીમાં વાય લખવા કહ્યું હતું, જેવું આ મહિલા અધિકારીએ વાય લખી જવાબ આપ્યો કે તુરત જ તેમનું નેટવર્ક બંધ થઇ ગયું હતું. આ પહેલાં ગઢિયાઓએ કહ્યું હતું કે એક દિવસમાં તમારૂં નેટવર્ક આવી જશે અને સીમકાર્ડ અપગ્રેડ થઇ જશે.
24 કલાકમાં રેખાબેન યાદવનું નેટવર્ક ચાલુ ન થતાં તેઓ આઇડિયાના સ્ટોલ પર ગયા હતા પરંતુ ત્યાંથી કહેવામાં આવ્યું કે આઇડિયા તરફથી આવા કોઇ કોલ કરવામાં આવતા નથી. કોઇને પણ સીમકાર્ડ અપગ્રેડ કરાવવું હોય તો ગ્રાહકે આઇડિયાના સ્ટોર પર આવવાનું હોય છે. આ ખાતરી પછી મહિલા અધિકારીને શંકા જતાં તેમણે બેન્ક એકાઉન્ટની તપાસ કરી હતી તો તેમના રૂપિયા ઉપડી ગયા હતા. છેવટે તેમણે બેન્કની બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો.
બેન્કમાં તપાસ કરી તો આ ગઠિયાઓએ બેન્ક એકાઉન્ટના અઢી લાખ રૂપિયા તો ઉપાડી લીધા હતા પરંતુ તેની સાથે પ્રિ-એપ્ર્વુવ્ડ લોનના રૂપિયા મળીને કુલ 8.50 લાખ સેરવી લીધા હતા. હવે આ મહિલા કર્મચારીએ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે.