ગાય કે ભેંસના છાણમાંથી કાગળ બનાવવાની ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવે તો ગુજરાતના પશુધન માલિકોને વધારાની આવક થઇ શકે છે. આવી કાગળ બનાવતી મીલ પ્રત્યેક ગૌશાળા કે પાંજરાપોળમાં બનાવી શકાય છે.
રાજ્યના એક ટેકનોલોજી નિષ્ણાંત કહે છે કે છાણમાંથી 7 ટકા હિસ્સો કાગળ બનાવવા વપરાય છે જ્યારે બાકીનો મોટો ભાગ ખાતર તરીકે વપરાય છે. રાજ્યમાં 667 ગૌશાળા અને 283 પાંજરાપોળ છે. કાગળના એક પ્લાન્ટનો ખર્ચ 15 લાખ રૂપિયા છે. દૂધની ડેરીઓ પ્રત્યેક ગામમાં એક પ્લાન્ટ બનાવે તો રાજ્યમાં 10 હજાર કરતાં વધુ પ્લાન્ટ ઉભા થઇ શકે છે.
તેઓ કહે છે કે આપણે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કર્યો છે ત્યારે છાણમાંથી બનેલા કાગળ બજારમાં ઉપલબ્ધ કરાવી શકાશે. ટેકનોલોજી નિષ્ણાંતે નોંધ્યું છે કે રાજ્યમાં એક પશુદીઠ રોજનું 10 કિલો છાણ મળે છે. રાજ્યના બે કરોડ પશુઓનું છાણ એકત્ર કરવામાં આવે તો રોજનું 20 કરોડ કિલોગ્રામ છાણ થાય. જેમાંથી સાત ટકા લેખે એટલે કે બે કરોડ કિલોગ્રામ સુકો કાગળ બની શકે છે.
ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના એકમ કુમારપ્પા નેશનલ હેન્ડમેડ પેપર ઇન્સ્ટીટ્યુટ દ્વારા બે વર્ષ પહેલાં છાણમાંથી કાગળ બનાવવામાં આવ્યો હતો, ત્યારપછી જયપુરમાં ખાદી ગ્રામોદ્યોગ પંચે ગૌવંશના છાણમાંથી કાગળ બનાવવાનું શરૂ કર્યું છે. હવે ગુજરાતમાં પણ કાગળ બનાવવાનું શરૂ કરવામાં આવનાર છે.
રાજ્યના કૃષિ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે એક પ્લાન્ટથી એક મહિનામાં કાગળની એક લાખ થેલીઓનું ઉત્પાદન થઇ શકે છે. અમેરિકન કેમિકલ સોસાયટીએ નોંધ્યું છે કે છાણમાં કાગળના ઉત્પાદનો બનાવવા માટે જરૂરી સેલ્યુલોઝ સમૃદ્ધ માત્રામાં છે તેથી હવે ગુજરાતમાં પણ આ પ્રયોગ શરૂ કરવામાં આવશે, કે જેનાથી કાગળનું ઉત્પાદન થશે અને વૃક્ષોનું થતું નિકંદન ઓછું થશે.