ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા હવે જસ્ટડાયલ કંપનીમાં હિસ્સેદારી હસ્તગત કરવાની ઘોષણા કરવામાં આવી છે. મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ દ્વારા જસ્ટડાયલ કંપનીના ૨.૧૭ કરોડ (૨,૧૧,૭૭,૬૩૬) ઇક્વિટી શેર ખરીદશે અને આ ડીલ માટે ઇક્વિટી શેરદીઠ પ્રાઇસ ૧૦૨૨.૨૫ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આમ રિલાયન્સ દ્વારા જસ્ટડાયલની કુલ ૬૬.૯૫ ટકા હિસ્સેદારી ૩૪૯૭ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે. જસ્ટડાયલ દ્વારા રિલાયન્સને ૪૦.૯૫ ટકા હિસ્સો પ્રેફરન્સિયલ એલોટમેન્ટ ધોરણે ઇસ્યૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ દ્વારા જસ્ટડાયલમાં આ હિસ્સેદારી હસ્તગત કરવા માટે સંબંધિત નિયામકીય મંજૂરીઓ મેળવવાની રહેશે.
કંપની દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની પાસે ૪૦.૯૫ ટકા હિસ્સેદારી રહેશે અને આ ટેકઓવર રેગ્યુલેશન અનુસાર વધુ ૨૬ ટકા સુધીની એક્વિઝિશન માટે ઓપન ઓફર લાવશે. રિલાયન્સ દ્વારા જસ્ટડાયલના કુલ ૨.૧૨ કરોડ ઇક્વિટી શેર હસ્તગત કરશે જેમાં ૧.૩૧ કરોડ ઇક્વિટી શેર વીએસએસ મણી પાસેથી શેરદીઠ ૧૦૨૦ રૂપિયાના ભાવે ખરીદશે. આ સાથે વીએસએસ મણી જસ્ટડાયલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે યથાવત્ રહેશે.
કંપનીએ નિયામકીય ફાઇલિંગમાં જણાવ્યુ કે, રિલાયન્સ રિટેલ દ્વારા હિસ્સેદારી હસ્તગત કરવાથી જસ્ટડાયલને આગળ વધવામાં અને વિસ્તરણ કરવામાં ઘણી મદદ મળશે. નોંધનિય છે કે, જસ્ટડાયલ કંપની ૨૫ વર્ષ જૂની ઇન્ફોર્મેશન સર્ચ એન્ડ લિસ્ટિંગ કંપની છે. કંપનીનું સમગ્ર દેશમાં નેટવર્ક છે. આ સોદો થવાથી રિલાયન્સ રિટેલને જસ્ટ ડાયલના મર્ચન્ટ ડેટાબેઝનો ફાયદો મળશે.