મુંબઇઃ કોરોના મહામારી વચ્ચે મોંઘવારીમાં પિસાઇ રહેલા લોકો માટે રાહતજનક સમાચાર છે. દેશમાં રિટેલ મોંઘવારી દર ઘટી રહ્યો છે અને તે જુલાઇમાં ઘટીને ત્રણ મહિનાને તળિયે આવી ગયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા આજે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ જુલાઇ મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઇ)ની રીતે રિટેલ ઇન્ફ્લેશનનો રેટ માસિક સરખામણીએ ઘટીને 5.59 ટકાના સ્તરે આવી ગયો છે જે જૂનમાં 6.26 ટકા હતો અને જુલાઇ 2020માં 6.73 ટકા હતો.
ફૂડ ઇન્ફ્લેશન જુલાઇમાં માસિક તુલનાએ ઘટીને 3.96 ટકા નોંધાયો છે જે જૂનમાં 5.15 ટકા હતો.
અગાઉ સતત બે મહિના દરમિયાન 6 ટકાની ઉપર રહ્યો હતો જે રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત લિમિટથી ઉપર હતો. ઉંચા મોંઘવારી દરની ચિંતા વ્યક્ત કરીને રિઝર્વ બેન્કે સતત સાતમી વખત ધિરાણનીતિમાં વ્યાજદર ઘટાડવાનું ટાળ્યુ હતુ. પ્રવર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા ગત સપ્તાહે જાહેર થયેલી ધિરાણનીતિમાં રિઝર્વ બેન્કે ચાલુ નાણાંકીય વર્ષ માટેનો રિટેલ મોંઘવારી દરનો અંદાજ વધારીને 5.7 ટકા કર્યો છે જે અગાઉ 5.1 ટકા હતો. ઇન્ફ્લેશન અંગે રિઝર્વ બેન્ક વધારે ગંભીર થઇ ગઇ છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ફુગાવાનો દર તેના નિર્ધારિત લક્ષ્યાંક કરતા ઉંચો આવ્યો છે.
મધ્યસ્થ બેન્કે સ્વીકાર્યુ કે ખરીફ કૃષિ પાક પ્રોત્સાહક રહેવા છતાં સમગ્ર વર્ષ દરમિયાન મોંઘવારી વધી છે. અત્રે નોંધનિય છે કે, મોંઘવારી માટે માત્ર ખાદ્ય ચીજો જ નહીં પણ મોંઘા ક્રૂડ ઓઇલ પણ જવાબદાર છે. હવે રિઝર્વ બેન્કે કોરોના મહામારીની બીજી લહેરના ફટકા બાદ અર્થતંત્રને ફરી બેઠું કરવાના પ્રયાસ ઉપરાંત સંભવિત ત્રીજી લહેરના પ્રતિકુળ પરિણામોની સાથે સાથે મોંઘવારી મોરચે પણ વધારે ધ્યાન આપવુ પડશે.