મુંબઇઃ કોરોના સંકટમાં ખાદ્યતેલોના ભાવમાં તોતિંગ વધારાથી પરેશાન લોકોને રાહત મળી શકે છે. સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવ ઘટે તે માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકે છે. ભાવવધારાને ધ્યાનમાં રાખી સરકાર હવે ખાદ્યતેલો પરની આયાત જકાત ઘટાડવા અંગે વિચારણા કરી શકે છે જેથી લોકોને સસ્તુ તેલ ઉપલબ્ધ થઇ શકે.
નોંધનિય છે કે, કોરોના મહામારી દરમિયાન દેશમાં ખાદ્યતેલોનો કુલ વપરાશ અને માંગ ઘટ્યા હોવા છતાં સોયાતેલ, સનફ્લાવર અને પામતેલના ભાવમાં બમણાંથી વધારે ઉછાળો જોવા મળ્યો છે. સરકારી અધિકારીઓના જણાયા મુજબ વિશ્વમાં ખાદ્યતેલોનો સૌથી મોટો આયાતકાર દેશ જકાત ઘટાડી શકે છે. જકાત ઘટતા સ્થાનિક સ્તરે ખાદ્યતેલોના ભાવ ઘટશે અને વપરાશ વધતા સોયાતેલ- સનફ્લાવર તેલ અને મલેશિયન પામતેલને ટેકો મળશે.
તો બીજી બાજુ સ્થાનિક તેલીબિયાં જેવા કે સરસવ, સોયાબીન અને મગફળીની કિંમતો નીચી આવશે. ખાદ્યતેલોની આયાત જકાત ઘટાડવાનો પ્રસ્તાવ હજી સમીક્ષા હેઠળ છે અને આ મામલે ચાલુ મહિનાના અંત સુધી આખરી નિર્ણય લેવાઇ શકે છે એવું ઘટનાક્રમ સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓએ જણાવ્યુ હતુ. ભારત તેની બે તૃત્યાંશ ખાદ્યતેલની જરૂરિયાત આયાત મારફતે સંતોષે છે. ભારતમાં પામતેલની આયાત પર હાલ 32.5 ટકા અને ક્રૂડ સોયાતેલ પર 35 ટકા જકાત વસૂલાય છે.