કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે કારતક સુદ નોમ ના દિવસે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ હોવાથી આ મહોત્સવ થશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આ ઐતિહાસિક મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં યોજવામાં આવે છે.
ગયા વર્ષે 6ઠ્ઠી નવેમ્બરે આ મહોત્સવ યોજવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે 23મી નવેમ્બરે આ મહોત્સવ આવે છે, કેમ કે 23મીએ કારતક સુદ નોમ આવી રહી છે. રાજ્યના પ્રવાસન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે કોરોના સંક્રમણના કારણે આ વર્ષે આ મહોત્સવ રદ્દ થાય તેવી સંભાવના છે, જો કે આ મહોત્સવ યોજવો કે નહીં તે અંગે રાજ્ય સરકાર તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ અગાઉના મહિનાઓમાં કોઇપણ મહોત્સવ કે મેળા યોજવામાં આવ્યા નહીં હોવાથી અમને શંકા છે કે આ મહોત્સવ રદ્દ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં એવો નિર્દેશ આપ્યો હતો કે દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2021માં યોજાશે નહીં. કોરોના સંક્રમણનું કારણ આપતાં તેમણે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણના કેસો સામે આવી રહ્યાં છે ત્યારે આ ઇવેન્ટ કરવી હિતાવહ નથી. તેમણે રાજ્યના અન્ય મહોત્સવ પણ કેન્સલ કરી દીધા છે અને આગામી મહોત્સવ માટે પણ નિયંત્રણો લાદી દીધાં છે.
બીજી તરફ કોરોનાના ડરના કારણે રાજ્ય સરકાર હજી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી શકી નથી. સરકારે આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં પણ કેટલાક નિયંત્રણો મૂકી દીધા હતા. રાજ્યમાં આ વર્ષે પાર્ટીપ્લોટ કે ક્લબોમાં ગરબા મહોત્સવ થઇ શક્યા નથી તેવામાં તાનારીરી મહોત્સવ પણ યોજવો લગભગ અશક્ય છે તેવું પ્રવાસન વિભાગના અધિકારીએ જણાવ્યું છે.
વડનગરની સંગીત બેલડી નાગર બહેનોની યાદમાં તાના-રીરી મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કલા અને સાંસ્કૃતિ વારસો જાળવી રાખવાનું કામ તાના-રીરી મહોત્સવ દ્વારા થઇ રહ્યું છે. તાનસેન એ દીપક રાગનું ગાન કર્યું જેનાથી તેના શરીરમાં અગનજવાળાઓ ઉઠી અને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનોએ શાંત કરી હતી.આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દીલ્હી દરબારમાં બોલાવ્યા પરંતુ બે બહેનો ત્યાં ન જતા વડનગર ખાતે જાતે અગ્નિસ્નાન કર્યું હતું. બે બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.
તાના-રીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2010થી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાઇ હતી. આ એવોર્ડમાં બે કલાકારોને સંયુક્ત રીતે પાંચ લાખની રાશિ, તામ્રપત્ર અને શાલ એનાયત કરવામાં આવે છે. પ્રથમ વર્ષે 2010-11 માં સંયુકત રીતે સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને, બીજા વર્ષે 2011-12માં પદ્મભૂષણ ગિરીજાદેવીને, 2012-13માં કિશોરી અમોનકર, 2013-14માં બેગમ પરવીન સુલતાના અને 2014-15માં સ્વર યોગીની ડૉ.પ્રભા અત્રેને આપવામાં આવ્યો હતો.
એ ઉપરાંત આ એવોર્ડના હક્કદારમાં 2015-16માં અમદાવાદના વિદુષી મંજુબહેન મહેતા અને બેંગ્લોરના ડૉ. લલીત જે રાવ મહેતા હતા. 2016-17નો એવોર્ડ પદ્મશ્રી આશા ભોંસલને અર્પણ કરાયો હતો. 2017-18નો સંયુક્ત એવોર્ડ પદ્મભૂષણ ડૉ. શ્રીમતી એન.રાજમ અને વિદુષી રૂપાંદે શાહને અને 2018-19નો સંયુક્ત એવોર્ડ અશ્વિની ભીંડે દેશપાંડે અને પિયુ સરખેલને આપવામાં આવ્યો હતો.