મુંબઇઃ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક તમને એપ્લિકેશન વડે ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે. આ એકાઉન્ટમાં ગ્રાહકોને ઘણા પ્રકારની સુવિધા મળે છે. તેમાં થર્ડ પાર્ટી પેમેન્ટ, રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવુ, પીપીએફ કે સુકન્યા સમૃદ્ધ યોજનામાં યોગદાન શામેલ છે. પીપીએફ અને સુકન્યા સમૃદ્ધ યોજનામાં તમે યોગદાન ત્યારે જ કરી શકો છો જ્યારે આ બંને સ્કીમો તમારા પોસ્ટ ઓફિસમાં ખોલાવી હોય.
ભારતનો 18 વર્ષથી મોટી વયનો કોઇ પણ નાગરિક ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં ખાતુ ખોલાવી શકે છે. તેની પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ અને મોબાઇલ નંબર હોવો જરૂરી છે. જે-તે વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોન પર આઇપીપીબી મોબાઇલ બેન્કિંગ એપ ડાઉનલોન કરવી પડશે.
વેરિફિકેશનની પ્રોસેસ
આઇપીપીબીના એપ્લિકેશનમાં ઓપન એકાઉન્ટ પર ક્લિક કરવુ પડશે. ત્યારબાદ અરજકર્તાએ પોતાનો મોબાઇલ નંબર અને પાન કાર્ડ નંબર નોંધવો પડશે. ત્યારબાદ તેના મોબાઇલ નંબર પર ઓટીપી આવશે.
તે ટાઇપ કર્યા બાદ વેરિફિકેશનની પ્રક્રિયા થશે. ત્યારબાદ તમારે પોતાનો આધાર નંબર ટાઇપ કરવો અને આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે, જે વેરિફિકેશન માટે હશે.
હવે તમારે પોતાની વ્યક્તિગત માહિતી ફાઇલ કરવી પડશે, જેમાં નામ- સરનામુ, જન્મ તારીખ અને નોમિનેશન સહિતની અન્ય માહિતીઓ હશે. માહિતીઓ ફાઇલ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો, અને તમારુ એકાઉન્ટ ખુલી જશે.
ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે કોઇ પણ પ્રકારના મિનિમમ બેલેન્સની જરૂર નથી. જ્યાં સુધી કેવાયસીની પ્રક્રિયા પૂરી નથી થતી, આ એકાઉન્ટમાં એક લાખ રૂપિયાથી વધારે રાખી શકાય નહીં.