મહામારીના આ સંકટકાળ વચ્ચે મોબાઇલ યુઝર્સ માટે એક માઠા સમાચાર આવી શકે છે. આગામી સમયમાં મોબાઇલ યુઝરોએ ઉંચા ચાર્જ ચૂકવવાની તૈયારી રાખવી પડશે અને અંગે ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે સંકેત આપી દીધા છે.
ભારતી એરટેલના પ્રમુખ સુનિલ મિત્તલે કહ્યુ કે, ટેલિકોમ ઉદ્યોગ વધારે દબાણ હેઠળ છે. તેમને અપેક્ષા છે કે ઓછામાં ઓછી ત્રણ કંપનીઓ બજારમાં રહે અને ભારતનું ડિજિટલ સેક્ટરનું સપનું પુરુ થાય તેની ખાતરી સરકાર કરશે.
સુનીલ મિત્તલે સ્વીકાર્યુ કે ટેલિકોમ ચાર્જિસ વધારવાની અત્યંત જરૂર છે અને એરટેલ આ મામલે અચકાશે નહીં. પરંતુ તેમણે એવુ પણ કહ્યુ કે, આ પગલું એકતરફી રીતે લઇ શકાતુ નથી.
ભારતી એરટેલના ચેરમેને ઉમેર્યુ કે, ટેલિકોમ ઉદ્યોગ બહુ મોટી મુસ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. મને વિશ્વાસ છે , સરકાર, અધિકારીઓ અને ટેલિકોમ વિભાગ ટેલિકોમ વિભાગને મુશ્કેલીઓ અંગે ધ્યાન આપશે.
ઉલ્લેખનિય છે કે, ટેલિકોમ કંપનીઓએ છેલ્લે જાન્યુઆરીમાં વિવિધ ટેલિકોમ સર્વિસિસના ચાર્જ વધાર્યા હતા. વર્ષ 2016માં રિલાયન્સ જિયોના આગમન બાદ ભારતના ટેલિકોમ સેક્ટરમાં ટેરિફ વોર થયુ અને ઘણી નાની ટેલિકોમ કંપનીઓ બંધ થઇ. હાલ ભારતમાં ત્રણ જ ટેલિકોમ કંપની છે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા છે.