ગુજરાતમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉચ્ચકક્ષાએથી ઓફિસરોની નિયુક્તિ કરતી હોય છે ત્યારે કોઇ જિલ્લામાં કોરોના કાબૂમાં ન આવતો હોય તો અધિકારીને બદલાવમાં આવે છે, તો કોઇ અધિકારી પર બેવડી જવાબદારી હોય તો તેને મુક્ત પણ કરવામાં આવે છે. સરકારને નિયંત્રણ અને પરિણામથી મતબલ હોય છે.
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવ ગુપ્તાને કોવિડ સંક્રમણ નિયંત્રણમાં લેવાની ડ્યુટી સોંપવામાં આવેલી છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગર એમ બે શહેરો અને જિલ્લાનો હવાલો સંભાળતા હતા પરંતુ હવે તેમને માત્ર અમદાવાદ શહેર અને જિલ્લાના ઇન્ચાર્જ રાખવામાં આવ્યા છે, કારણ કે તેમની પાસે કામનું ભારણ વધી ગયું છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ સામે લેવામાં આવતાં પગલાંઓ અને કામગીરીનું સુપરવિઝન કરવા માટે સરકારે સનદી અધિકારી સુનયના તોમરને મૂક્યાં છે, જ્યારે રાજીવ ગુપ્તાને આ વધારાના હવાલાથી મુક્ત કરવામાં આવ્યા છે.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે મહત્વના નિર્ણયમાં કોવિડની ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓને બદલ્યા છે. ગાંધીનગર ઉપરાંત જામનગર અને જૂનાગઢ જિલ્લામાં કોવિડ સુપરવિઝનની કામગીરી કરતાં અધિકારીઓને બદલવામાં આવ્યા છે જેના ભાગ રૂપે ગાંધીનગરમાં હવે ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને જવાબદારી સોંવામાં આવી છે. હવે ગાંધીનગર મહાનગર પાલિકા અને જિલ્લાના કેસોની સમીક્ષા સુનયના તોમર કરશે.