એક તરફ ચૂંટણી પંચ રાજ્યમાં ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજીબાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણી એક પછી એક પ્રજાલક્ષી જાહેરાતો કરતા જાય છે. આ સંજોગોમાં ત્રણેય ચૂંટણીઓ તેના નિર્ધારિત સમયમાં યોજાય તેવી સંભાવના છે. પહેલાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી થશે, ત્યારબાદ જિલ્લા-તાલુકા પંચાયત, પાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ થવાની છે.
રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યની છ મહાનગરપાલિકાની હદ વધારતી જાહેરાત પછી પંચે નવા સિમાંકનું કામ પૂર્ણ કર્યું છે. આ સાથે અનામત બેઠકો અને વોર્ડ રચનાના કામો પણ પૂર્ણ કર્યા છે. ધીમે ધીમે પ્રત્યેક મહાનગરમાં નવા સિમાંકનની પ્રાતમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં કેટલાક મહત્વના ફેરફારો કરવામાં આવનાર છે.
સચિવાલયના સૂત્રો કહે છે કે રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી કરવામાં આવશે. આ અંગેનું નોટિફિકેશન 15મી સપ્ટેમ્બરની આસપાસ બહાર પડે જેવી સંભાવના છે. આ સાથે રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતા અને આરોગ્ય વિષયક પગલાં જાહેર કરવામાં આવશે. કોરોના સંક્રમણના સમયમાં કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાન અને ચૂંટણી પ્રચાર માટે કેટલીક આચારસંહિતા બનાવી છે, જેનો અમલ ગુજરાતની પ્રત્યેક ચૂંટણીમાં કરવાનો રહેશે.
રાજ્ય સરકારના આદેશથી ચૂંટણી પંચ મહાનગરપાલિકા, પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની હદ વિસ્તારમાં મોટા ફેરફારો કર્યા છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠક અને વિસ્તારમાં ફેરફારની કામગીરી પૂર્ણ કરી છે. નવા સિમાંકન હેઠળ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થવાની છે.ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વોર્ડ દીઠ બેઠકોના નકશામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવશે. 55 નગરપાલિકામાંથી 7 નગર પાલિકાઓમાં ફેરફાર કર્યો છે. 16 જિલ્લા પંચાયતો અને 29 તાલુકા પંચાયતોમાં પણ બદલાવ થયો છે. પ્રાથમિક જાહેરનામાની પ્રસિદ્ધિ પણ થઇ રહી છે જેમાં વાંધા સૂચનો માગવામાં આવશે, ત્યારબાદ તેને ફાઇલન કરી દેવાશે.
ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી થવાની છે જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં મહાનગરો તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થશે. રાજ્યમાં બે જિલ્લા પંચાયતને બાદ કરતાં તમામ 31 પંચાયતમાં અને 250 તાલુકા પંચાયતમાં ચૂંટણી થવાની છે. રાજ્યની મુદ્દત પૂર્ણ થતી નગરપાલિકાની ચૂંટણીઓ પણ સાથે કરવામાં આવશે. આ ચૂંટણીમાં પણ કોરોના સંક્રમણના કારણે કેન્દ્રીય ચૂંટણી પંચે જે આદેશ કર્યા છે તેનું પાલન કરવાનું રહેશે.