ગુજરાતમાં કોરોના સંક્રમણના સમયમાં બહાર નિકળતી વખતે મોંઢા પર માસ્ક નહીં હોય તો નાગરિકોએ હવે 500 રૂપિયા નહીં પરંતુ 1000 રૂપિયા ચૂકવવા પડશે. રાજ્ય સરકાર આ ઝૂંબેશ વધારે કડક બનાવવા માગે છે. એ સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગ અને રાત્રીના લોકડાઉનને વધારે સલામત પણ બનાવશે કે જેથી સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય.કોરોના સંક્રમણ સમયે થયેલી અલગ અલગ અરજીના અનુસંધાને ગુજરાત હાઇકોર્ટે કહ્યું છે કે માસ્ક નહીં પહેરતાં લોકોને સરકાર 1000 રૂપિયાનો દંડ કરે. એ ઉપરાંત અમદાવાદ શહેરમાં બહારથી આવતા લોકોને રોકવામાં આવે અને તેમનો સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવે. હાઇકોર્ટે એમ પણ કહ્યું છે કે કોરોના સંક્રમણને અટકાવવા માટે વધુમાં વધુ ટેસ્ટ કરવા જોઇએ.હાઇકોર્ટે એક અરજીમાં ટોલિસિઝુમેબ ઇન્જેક્શનના થઇ રહેલા કાળાબજાર અંગે પણ ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે નકલી ઇન્જેક્શનનો વ્યાપાર કરતા વેપારીઓ સામે કડકહાથે કામ કરવામાં આવે. આ સાથે એસિમ્ટોમેટિક દર્દીઓના ટેસ્ટ નહીં કરવાની સરકારની નીતિનો અરજદારે વિરોધ કર્યો છે. હાઇકોર્ટમાં અરજદારે કહ્યું હતું કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ જો કોઇને ટેસ્ટ કરાવવો હોય તો તેને છૂટ મળવી જોઇએ. સરકાર અત્યારે એવા ટેસ્ટ કરવા દેતી નથી.મુખ્યમંત્રી કચેરીના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં માસ્ક નહીં પહેરવાનો દંડ પહેલાં 500 રૂપિયા હતો પરંતુ તે વધુ પડતો લાગતો હોવાથી સરકારે 200 રૂપિયા કર્યો હતો પરંતુ કોરોના સંક્રમણની સંખ્યા વધી જતાં નિયંત્રણ માટે સરકારે 500 રૂપિયાનો દંડ વસૂલ કરવાની જોગવાઇ કરી છે. જો કે હવે હાઇકોર્ટના આદેશ પછી ટૂંકસમયમાં રાજ્ય સરકારે દંડની રકમ બમણી કરવા જઇ રહી છે.દેશના વિવિધ રાજ્યોમાં કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે માસ્ક નહીં પહેરવાનો દંડ અલગ અલગ વસૂલ કરવામાં આવે છે. કેરાલા સરકારે પહેલા ગુનામાં 10 હજાર રૂપિયાનો દંડ રાખ્યો છે અને બીજા ગુનામાં જેલની સજાની જોગવાઇ કરી છે. તાજેતરમાં ઝારખંડની સરકારે પણ માસ્ક નહીં પહેરવાના દંડની રકમ એક લાખ રૂપિયા રાખી છે જે બીજા કોઇ રાજ્યમાં નથી.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.