ગાંધીનગર -ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં પ્રતિવર્ષ નવરાત્રીના નવમા નોરતે યોજાતો પલ્લી મેળો કોરોના સંક્રમણના કારણે રદ્દ કરવામાં આવ્યો છે. આ મેળામાં દર વર્ષે અંદાજે 10 લાખ ભાવિકો ગુજરાતભરમાંથી ઉમટી પડતાં હોય છે. વરદાયિની માતાના મંદિરમાંથી પલ્લી નીકળીને ગામમાં યાત્રા કરતી હોય છે.
પલ્લીના મેળામાં ગયા વર્ષે નવરાત્રીની નોમની રાત્રીએ 20 કરોડ રૂપિયાનું ચાર લાખ કિલોગ્રામ ઘી ચઢાવવામાં આવ્યું હતું પરંતુ આ વખતે પલ્લીનો મેળો યોજાવાનો નથી તેથી લોકોને એકત્ર કરી શકાશે નહીં. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિર્દેશ આપ્યો છે કે પલ્લીનો મેળો આ વર્ષે યોજાશે નહીં.
પલ્લીનો મેળો રૂપાલ ગામના 27 જેટલા ચકલામાંથી પસાર થાય છે ત્યારે ભાવિકો માતાજીની પલ્લી પર ઘીનો અભિષેક કરતાં હોય છે. આ ઘી જ્યારે જમીન પર પડે છે ત્યારે તેને માટી સાથે એકત્ર કરી ગામના ગરીબ પરિવારો માટીને ગરમ કરીને ઘીનો ઉપયોગ ખાવામાં કરે છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધતા જાય છે. મેળામાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પ્રમાણ જળવાતું નહીં હોવાથી સરકારે આ મેળાને રદ્દ કરવાની જાહેરાત કરી છે. અગાઉ સરકારે અનેક મેળાઓ રદ્દ કર્યા છે અને હવે નવરાત્રીની નોમે યોજાતો પ્રખ્યાત પલ્લીનો મેળો પણ રદ્દ કર્યો છે.