ભારતીય શેરબજારમાં હાલ તેજીનો માહોલ છે અને આ તકનો લાભ ઉઠાવવી રોકાણકારો પાસેથી નાણાં એક્ત્ર કરવા કંપનીઓ આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. આ કંપનીઓમાં લોકપ્રિય ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપનીનું પણ નામ જોડાઇ ગયુ છે.
ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો પણ આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. ઝોમેટો કંપનીનો પબ્લિક ઇશ્યૂ આગામી 14 જુલાઈએ ખુલશે અને 16 જુલાઈએ બંધ થશે.
ભારતીય શેરબજાર નિયામક સેબીના નિયમો પ્રમાણે, ઝોમેટો કંપનીનો શેર આ ચાલુ મહિનાના અંત સુધીમાં શેરબજારમાં લિસ્ટેડ થઇ જશે. ઝોમેટો કંપનીએ તેના આઇપીઓ માટે શેરદીઠ પ્રાઈસ બેન્ડ 72થી 76 રૂપિયા રાખવામાં આવી છે. ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર વચ્ચે માંગને જોતા કંપનીએ પોતાના આઈપીઓનું કદ વધાર્યું છે. કંપની આઈપીઓથી લગભગ 9,375 કરોડ રૂપિયા એકઠા કરી શકે છે. આઇપીઓ હેઠળ કંપની 9000 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યૂ કરશે, જ્યારે ઇન્ફો એજ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 375 કરોડ રૂપિયાના શેરનું વેચાણ કરવામાં આવી શકે છે.
બજાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝોમેટો કંપનીનો શેર સ્ટોક એક્સચેન્જ ખાતે આગામી 27 જુલાઈએ લિસ્ટ થઈ શકે છે. બીએસઈને આપવામાં આવેલ જાણકારી અનુસાર, ઝોમેટોને હાલમાં રેગ્યુલેટરી સેબીથી આઈપીઓ લાવવાની મંજૂરી મળી હતી. હમણા માંગને જોતા કંપનીએ આઈપીઓની સાઈઝ વધારી છે.