જો તમે લોન વધુ સસ્તી થવાી આશા રાખી રહ્યા છો તમને નિરાશા મળી શકે છે કારણ કે રિઝર્વ બેન્ક વ્યાજના હાલના દર જાળવી રાખે તેવી શક્યતા છે. વધતી મોંઘવારી અને કોરોનાને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાને પગલે રિઝર્વ બેન્ક આવો નિર્ણય લે તેવી શક્યતા છે.
બેન્કની આગામી તા. 2 જૂનથી 4 જૂન દરમિયાન યોજાનારી નાણાંકીય નીતિની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે. આ બેઠકનું અધ્યક્ષ સ્થાન રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિદાસ સંભાળશે. એપ્રિલમાં યોજાયેલી બેઠકમાં પણ વ્યાજદરમાં કોઈ ઘટાડો કરાયો નહોતો. રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા યથાવત્ રખાયો હતો.
રેટિંગ એજન્સી ઈકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયર કહે છે કે કોરોનાના પ્રકોપને કારણે ઈકોનોમિક આઉટલુક અનિશ્ચિત છે. જ્યાં સુધી રસીકરણમાં ઝડપ દેખાશે નહીં ત્યાં સુધી રિઝર્વ બેન્ક નાણાંકીય નીતિ ઉદાર રાખશે. નારેડકોના રાષ્ટ્રીય પ્રમુખ નિરંજન હિરાનંદાણીએ પણ આ પ્રકારનો જ મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરે અર્થતંત્રને અસર કરી છે. સિસ્ટમમાં રોકડનો પ્રવાહ વધારવાની જરૂર છે.