કોરોના મહામારીથી ભારતીય અર્થતંત્રને ગ્રહણ લાગ્યુ છે. વિકાસના મામલે ભારતની પીછેહઠ થઇ છે અને પછાત કહેવાતા દેશોથી પણ પાછળ ધકેલાઇ ગયુ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડે્ક્સ એટલેકે ટકાઉ વિકાસ સુચકાંકમાં ભારત એક વર્ષમાં બે ક્રમ પાછળ ધકેલાયું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૧૯૩ સભ્ય દેશોએ વર્ષ ૨૦૧૫માં, વર્ષ ૨૦૩૦ના એજન્ડાના એક ભાગરૃપે અપનાવેલા ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (ટકાઉ વિકાસ ઉદ્દેશ્યો)ના રેન્કિંગમાં ભારત ગત વર્ષે ૧૧૫માં ક્રમે હતું, જેને નવા રેન્કિંગમાં બે ક્રમ પાછળ એટલે ૧૧૭મું સ્થાન આપવામાં આવ્યું છે. આ રેન્કિંગમાં ભારત કરતાં ભૂટાન, નેપાળ, શ્રીલંકા તેમજ બાંગ્લાદેશ જેવા નાના દેશો પણ આગળ છે.
ભારતના પર્યાવરણની રિપોર્ટ ૨૦૨૧માં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે. દેશમાં ભૂખમરો ખતમ કરવા અને ખાદ્ય સલામતી હાંસલ કરવા ઉપરાંત લૈંગિક સમાનતા પ્રાપ્ત કરવા, માખળાગત સુવિધાઓના નિર્માણ કરવા, સતત સમાવેશી ઔદ્યોગિકરણન ઉત્તેજન આપવા અને નવાચારને પ્રોત્સાહન આપવા જેવા પડકારોને કારણે ભારતને આ સૂચકાંકમાં ફટકો પડયો છે. રિપોર્ટ જણાવે છે કે, ભારતનો ઓવરઓલ એસડીજી સ્કોર ૧૦૦માંથી ૬૧.૯નો છે.
રાજ્યવાર તૈયારીઓને દર્શાવતા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઝારખંડ અને બિહાર વર્ષ ૨૦૩૦ સુધી એસડીસીને પૂર્ણ કરવા માટેની તૈયારીમાં સૌથી પાછળ છે. ઝારખંડ ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાંથી પાંચમાં પાછળ છે, તો બિહાર સાતમાં પાછળ છે. રિપોર્ટ જણાવે છે કે, કેરળ, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢ એસડીજી હાંસલ કરવા માટે આગળ વધી રહેલા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે.
રિપોર્ટ જણાવે છે કે, વાતાવરણીય પ્રદર્શન ઈન્ડેક્ષની રીતે ભારત ૧૮૦ દેશોમાંથી ૧૬૮માં ક્રમે છે. આ ઈન્ડેક્ષ નક્કી કરવા માટે વાતાવરણની સ્થિતિ, તાપમાન, વાયુ પ્રદુષણ, સેનિટેશન અને પીવાનું પાણી, ઈકોસિસ્ટમ સેવાઓ અને બાયોડાઈવર્સિટી જેવા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.