ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં એવિયેશન સેક્ટરમાં જે એમઓયુ થયા છે, તેમાં એવિયેશન સેક્ટરની સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં પાંચ જગ્યાએ સિવિલ એવિયેશનની તાલીમ આપતી સંસ્થાઓ શરૂ કરવાનો ગુજરાતનો ઇરાદો હતો પરંતુ કંપનીઓને પ્રોત્સાહન નહીં મળતાં તેઓ પ્રોજેક્ટમાંથી ખસી ગઇ હતી પરંતુ હવે તેમનો ફરીથી સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.
સિવિલ એવિયેશનના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓ હવાઇ ઉડ્ડયનના અભ્યાસક્રમમાં નિપુણ બની શકે તે માટે ગુજરાત સરકારને એવી પ્રાઇવેટ ઇન્સ્ટીટ્યુટ જોઇએ છે કે જે સરકાર સાથે એમઓયુ કરી શકે. અમદાવાદ એરપોર્ટ પાસે આવેલા ગુજસેલ કમ્પાઉન્ડમાં પણ આ પ્રકારના અભ્યાસક્રમો શરૂ કરવાનો સરકારનો ઇરાદો છે.
આ સેક્ટરમાં એક્ઝિક્યુટીવ એમબીએ, એવિયેશન મેનેજમેન્ટ, બીટેક એરોસ્પેસ એન્જીનિયરીંગ, બીબીએ એવિયેશન ઓપરેશન, એમબીએ એવિયેશન મેનેજમેન્ટ, એમબીએ લોજીસ્ટિક મેનેજમેન્ટ, બીબીએ ટુરિઝમ અને બીટેક એવિયોનિક્સ એન્જીનિયરીંગ જેવા અભ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એવિયેશન કોલેજ માટે અમદાવાદ એરપોર્ટ પાસે જમીન દરખાસ્તની પ્રક્રિયા હાલ મંજૂરીના આખરી તબક્કામાં છે. એ ઉપરાંત રાજ્યના અલગ અલગ જગ્યાએ પણ હવાઇ ઉડ્ડયનની તાલીમ આપતી સ્કૂલો શરૂ કરવામાં આવશે તેવું આ અધિકારી કહે છે. તેમણે કહ્યું હતું કે અગાઉ જે એમઓયુ થયા છે તે કંપનીઓને પ્રલોભન આપીને સ્કૂલો શરૂ કરવાનો આદેશ સરકાર કક્ષાએથી મળી ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં નાગરિક ઉડ્ડયન વિભાગમાં થયેલા 49 એમઓયુ પૈકી 11 રદ થયા હોવાની માહિતી સરકારના વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે, જો કે ચાર વાયબ્રન્ટમાં થયેલા એમઓયુ પૈકી 38 પ્રોજેક્ટમાં પ્રગતિ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર સિવિલ એવિયેશનને ઉત્તેજન આપવાના પ્રયાસો કરી રહી છે પરંતુ આ ક્ષેત્રે થયેલા સમજૂતિ કરારા ફ્લોપ થઇ રહ્યાં છે. આ કરાર કેમ ફ્લોપ થઇ રહ્યાં છે તેની પાછળના કારણો જાણીને સરકારે રદ થયેલા એમઓયુને ફરી સાઇન કરવાનો નિર્ણય કર્યો છે.
વાયબ્રન્ટ સમિટ 2011માં નાગરિક ઉડ્ડયન સબંધિત 15 અને 2003માં 12 એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. 2011માં જે કરાર થયા હતા તેમાં મૂડીરોકાણનો આંકડો 14117 કરોડ રૂપિયા થવા જાય છે. આ બન્ને સમિટના કુલ મળીને 9 એમઓયુ રદ થયા છે. 2015માં સિવિલ એવિયેશન સેક્ટરમાં 10 એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા જેમાં 2526 કરોડનું સૂચિત મૂડીરોકાણ કરવાના વાયદા કરવામાં આવ્યા હતા. એવી જ રીતે 2012ની સમિટમાં પણ 12 એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા પરંતુ તેમાં મૂડીરોકાણના આંકડાને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.
2015માં થયેલા એમઓયુ પૈકી બે રદ કરવામાં આવ્યા છે અને આઠ અમલીકરણમાં હોવાનું કહેવામાં આવે છે પરંતુ 2019માં યોજાયેલી વાયબ્રન્ટ સમિટમાં રદ થયેલા ઓમઓયુની કંપની સાથે ફરીથી સંપર્ક કરવામાં આવ્યો છે અને તેને ગુજરાતમાં મૂડીરોકાણ કરવાનું કહેવામાં આવ્યું છે. સરકાર પાંચ એવિયેશન સ્કૂલ શરૂ કરવા માંગે છે. એ સાથે કંપનીની જરુરિયાતો અને જરૂરી મંજૂરીઓ પૂરી કરવાની ખાતરી આપવામાં આવી છે.