“ભારતના રાજ્યોમાં ઓનલાઇન એજ્યુકેશનની પોલિસી બનાવ્યા વિના ચાલી શકે તેમ નથી, કારણ કે સ્કૂલો આ વર્ષ શરૂ થાય તેવા કોઇ અણસાર નથી. ગુજરાત સરકાર કેન્દ્રમાં એવી દરખાસ્ત કરી શકે છે કે તમામ રાજ્યોમાં કોમન પોલિસી હશે તો એજ્યુકેશનનું ધોરણ જળવાશે”
ગુજરાતના શિક્ષણ વિભાગના એક અધિકારીએ આ વિધાનમાં આગળ કહ્યું હતું કે કોરોના સંક્રમણ વચ્ચે સરકારી અને પ્રાઇવેટ શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે પરંતુ તેની કોઇ ચોક્કસ પોલિસી નથી તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારે નવી પોલિસી બનાવીને કોમન એજ્યુકેશન પ્રોગ્રામ બનાવવાની આવશ્યકતા છે.
તેમણે કહ્યું હતું કે ગુજરાતની શાળાઓએ વેબિનાર જેવા માધ્યમ દ્વારા વિવિધ એપ્લિકેશનોની મદદથી નવા સત્રનો આરંભ કરી દીધો છે. શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા લોકો પણ સામાન્ય મનુષ્ય તો છે જ. સહુની મુંઝવણ એ એની પણ છે. પરંતુ સંચાલકો હજુ સુધી સ્પષ્ટતા કરી શક્યા નથી કે તેઓ લાંબાગાળા માટે ક્યા મોડેલ પ્રમાણે પોતાના વિદ્યાર્થીઓને વિદ્યા વિકાસ હાંસલ કરાવશે ?
આ અધિકારી કહે છે કે શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓને સમજ્યા વિના આજકાલ એવો વાવંટોળ ચાલ્યો છે કે કેટલાક વાલીઓ એમ માનીને ચાલે છે કે ઓનલાઈન એજ્યુકેશનમાં તો કોઈ ફી ભરવાની જ હોય નહીં. ખરેખર એવું નથી. શૈક્ષણિક સંસ્થાઓ વર્ગખંડોમાં ભણાવવાને બદલે જ્યારે ઓનલાઇન ભણાવે ત્યારે એમને ત્રણથી ચાર ગણી મહેનત વધારે કરવી પડતી હોય છે. એ વાત સાચી છે કે સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ આપવાનું થતું હોય તો ફીના ધોરણ તો બદલાવવા જ પડે.
એ હકીકત છે કે, ગુજરાત સરકાર શાળા સંચાલકોના મત પ્રમાણે જ ચાલે છે એને કારણે વાલીઓ અને સંચાલકો વચ્ચે સતત સંઘર્ષ થયા કરે છે. એ સંઘર્ષ ચાલુ રખાવવાની કુનેહ ભાજપમાં છે. આજકાલ એક એ ચિનગારી શરૂ થઈ કે તે નવા શૈક્ષણિક સત્રની ફી ભરવી કે ન ભરવી પડે ? અને ભરવી તો કેટલી ઓછી ભરવી તે અંગેની દ્વિધા અંગેની છે. રાજ્ય સરકારે આ અંગેની સર્વસામાન્ય નીતિ નક્કી કરીને સત્વરે જાહેર કરવી જોઈએ. શાળા અને કોલેજો ખરેખર ક્યારે શરૂ થશે એ મનોમન તો આ નેતાઓ અને સંચાલકો બન્ને જાણે છે છતાં ફીની લાલસામાં ટૂંકા પનાની મુદતો આપીને વરસને ધકેલી રહ્યા છે.
વડોદરાની એક શાળાએ તો વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરીને ડિજિટલ ક્લાસરૂમ સામે બેસવાનો હુકમ કર્યો છે. એટલે કે માતા કે પિતાના મોબાઈલ ફોન સામે વિદ્યાર્થીએ યુનિફોર્મ પહેરીને બેસવું પડે છે. આવી કૃત્રિમતા પાછળનો તેમનો હેતુ માત્ર પોતાનો કમાન્ડ જાળવીને ફી વસૂલવાનો છે. યુનિફોર્મમાં રહેલી યુનિફોર્મિટીની વિભાવના જ આ શિક્ષણવિદો સમજતા નથી.
સમૂહ વિનાના યુનિફોર્મનો શો અર્થ છે? આપણા દેશમાં સાબુની એટલે કે સામાન્ય બુદ્ધિની જે કટોકટી પ્રવર્તે છે એમાં આ આચાર્યો પણ હવે બાદ નથી. વળી એક શાળાનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં તો આચાર્ય મેડમ વાલીને ટ્રાન્સપોર્ટેશન ફી ભરવા માટે પણ આગ્રહ કરી રહ્યા છે. હવે ઓનલાઇન જ ભણવાનું હોય તો ટ્રાન્સપોર્ટેશન ફી શાની ભરવાની? રાજ્યભરના જુનિયર કે સિનીયર કે.જી નું ચિત્ર તો બહુ વિકરાળ છે.
એમાં જે કેટલીક બ્રાન્ડેડ શાળાઓ છે એણે તો બહુ એડવાન્સમાં વાલીઓ પાસેથી પૈસા લઈ લીધા છે અને એમનું એ ફી કલેક્શન કરોડો રૂપિયાનું હોય છે. એમાં તો ટ્રાન્સપોર્ટેશન ફી ઉપરાંત વિદ્યાર્થીઓના રોજના નાસ્તાના પૈસા પણ લઈ લીધેલા છે. એટલું જ નહીં આજ સુધી એ પૈસા પાછા આપવા અંગે એક શબ્દ પણ તેઓ ઉચ્ચારતા નથી અને જે કોઈ તકલીફ ધરાવતા પરિવારોના દ્વારા બે ચાર વિદ્યાર્થીઓના પૈસા બાકી રહી ગયા હોય એમના પર કડક ઉઘરાણીની તવાઈ આવતી હોય છે. આમાં પણ રાજ્ય સરકાર મૂક પ્રેક્ષક તરીકેની ભૂમિકા અદા કરે છે.
જેમ ઓનલાઈન એજ્યુકેશનમાં ફી ભરવાની જ ન હોય એ માન્યતામાંથી વાલીઓએ મુક્ત થવાની જરૂર છે, એ જ રીતે સંચાલકે પણ એની એ જ ફી વસૂલવાની વૃત્તિમાંથી મુક્ત થવાની જરૂર છે. વાલીઓએ જ્યારે રાજ્યના શિક્ષણ ખાતા સમક્ષ પ્રથમ સત્રની ફી ઘટાડવાની રજૂઆતો અને વિનંતી કરી ત્યારે શિક્ષણ ખાતાએ તો એવો હુકમ કર્યો કે કોઈ સંચાલકે 15 મી ઓગસ્ટ પહેલા ફી જમા કરાવવાની વાલીઓને સૂચના આપવી નહીં. પરંતુ પ્રથમ સત્રની કેટલી ફી ઓછી થશે એના વિશે તો સરકારે મૌન જ જાળવ્યું છે.