નવી દિલ્હીઃ સરકારી માલિકીની કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના ખાનગીકણ બાદ પણ તેના 7.3 કરોડ ઘરેલુ રાંઘણગેસના ગ્રાહકોને સબસિડીનો લાભ મળતો રહેશે. કંપનીની એલપીજી બિઝનેસ માટે એક અલગ સ્ટ્રેટેટિજીક બિઝનેસ યુનિટ (એસબીયુ) બનાવવાની યોજના છે. બીપીસીએલના નવા માલિકને અધિગ્રહણના ત્રણ વર્ષ બાદ કંપનીનો એલપીજી બિઝનેસ પોતાની પાસે રાખવા અથવા વેચવાનો અધિકાર મળશે. આ માહિતી ઉચ્ચ અધિકારીઓ જણાવી હતી.
અધિકારીએ કહ્યુ કે, ત્રણ વર્ષ બાદ પણ બીપીસીએલના નવા માલિક એલપીજી બિઝનેસને કંપનીમાં જ જાળવી રાખવા ઇચ્છશે તો ત્યારબાદ પણ ગ્રાહકોને સરકારી સબસિડી મળતી રહેશે. જો નવો માલિક એલપીજી બિઝનેસને જાળવી રાખવાનો ઇન્કાર કરે તો ત્રણ વર્ષ બાદ તેના એલપીજી ગ્રાહકોને અન્ય બે સરકારી કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં ટ્રાન્શફર કરી દેવામાં આવશે. પરંતુ કોઇ ખાનગી કંપનીને સરકારી સબસિડી આપવાના હિતોના ટકરાવને પગલે એલપીજી બિઝનેસને એક અલગ એસબીયુ હેઠળ રાખવામાં આવશે. તેમણે કહ્યુ કે, એસબીયુ અલગથી ખાતાઓની માહિતી રાખશે. ઉપરાંત તેને કેટલી સબસિડી મળશી અને ડિજિટલ રીતે તેણે કેટલા ગ્રાહકોને સબસિડી મોકલી તેની પણ માહિતી રાખવી પડશે. ફંડની ઉચાપત ન થાય તેની ખાતરી કરવા માટે એસબીયુ એકાઉન્ટનું પણ ઓડિટ કરવામાં આવશે.
ખાનગીકરણ બાદ ભારત પેટ્રોલિયમને સબસિડી આપવાનો એ અર્થ નથી કે અન્ય ખાનગી એલપીજી વિતરકોને પણ સબસિડી આપવામાંઆવશે. અધિકારીએ કહ્યુ કે, બીપીસીએલ એક જૂની કંપની છે અને આવી રીતે રાતોરાત તેના ગ્રાહકોની સબસિડીને બંધ કરી શકાય નહીં. તેમણે કહ્યુ કે, ભારત પેટ્રોલિયમનું વેચાણ કર્યા બાદ પણ નવી કંપની પર સરકારના અંકુશો ત્રણ વર્ષ સુધી રહેશે.