નવી દિલ્હીઃ વિશ્વબજારમાં સોનાના ભાવ ઘટતા ભારતમાં પણ પીળી કિંમતી ધાતુની કિંમતો આજે મંગળવારે ઘટી હતી. આજે દિલ્હીના ઝવેરી માર્કેટમાં સોનાની કિંમત 138 રૂપિયા ઘટી અને પ્રતિ 10 ગ્રામની કિંમત 44,113 રૂપિયા થઇ હતી. તો ચાંદી 320 રૂપિયા સસ્તી થઇ અને પ્રતિ એક કિગ્રાની કિંમત 63,212 રૂપિયા થઇ હતી. ગત સપ્તાહે શનિવારના રોજ દિલ્હીમાં સોનાની કિંમત 44,251 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 63,532 રૂપિયા પ્રતિ એક કિગ્રા હતી.
ભારતના અન્ય શહેરોમાં પણ સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા. જેમાં અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ 500 રૂપિયા તૂટ્યા હતા અને પ્રતિ 10 ગ્રામની કિંમત 46,200 રૂપિયા થઇ હતી. માર્કેટ એનાલિસ્ટોએ સોનું 46,000 રૂપિયાની નીચે જવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જો કે સોનાની તુલનાએ ચાંદીના ભાવ ઓછા ઘટ્યા હતા. આજે મંગળવારે સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ માત્ર 200 રૂપિયા તૂટ્યા હતા અને પ્રતિ એક કિગ્રાની કિંમત 65,800 રૂપિયા થઇ હતી. ઉલ્લેખનિય છે કે, ગત શનિવારે સ્થાનિક બજારમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 67,500 રૂપિયા અને ચાંદીની કિંમત પ્રતિ એક કિગ્રા દીઠ 66,000 રૂપિયા હતી.
આજે વૈશ્વિક બજારમા હાજર સોનાનો ભાવ 1705 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયો હતો જે છેલ્લા બે સપ્તાહની સૌથી નીચી સપાટી છે. તો ચાંદીની કિંમત 24.50 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ હતી.