મુંબઇઃ કોરોના વાયરસના કહેરથી ભારતીય શેરબજારમાં ફરી ચિંતાજનક માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે પણ વેચવાલીનું દબાણ રહ્યુ પરંતુ કેટલાંક હેવીવેઇટ્સ સ્ટોકના સુધારાના સપોર્ટથી સેન્સેક્સ- નિફ્ટી નામ માત્ર વધીને બંધ થયા હતા. આજે સેન્સેક્સ 42 પોઇન્ટના સુધારામાં 49201ના સ્તરે બંધ થયો હતો. સેશન દરમિયાન સેન્સેક્સ ઉપરમાં 49582 અને નીચામાં 48936ના લેવલને સ્પર્શ્યો હતો. તો બેન્ચમાર્ક નિફ્ટી 45.7 પોઇન્ટની મજબૂતીમાં 14683ના સ્તરે બંધ થયો હતો.
આજે બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સ્ટોકમાં વેચવાલીનું દબાણ યથાવત રહેતા આજે પણ બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 177 પોઇન્ટ તૂટ્યો હતો. સેન્સેક્સના બ્લુચિપ સ્ટોકમાં સૌથી વધુ ઘટના સ્ટોક પણ બેન્કિંગ સેક્ટરના હતા. આજે બેન્ચમાર્ક સેન્સેક્સના 30માંથી 15 શેર ડાઉન હતા. જેમા આઇસીઆઇસીઆઇ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડ્સઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક અને પાવરગ્રીડ કંપનીના શેર એક ટકાથી 2.3 ટકા સુધીના ઘટાડે ટોપ-5 લૂઝર બન્યા હતા.
બોર્ડર માર્કેટમાં આજે મિડકેપ ઇન્ડેક્સ એક ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.8 ટકા સુધર્યા હતા. તો સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમા ઓઇલ-ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બેકેક્સ સાધારણ ઘટ્યા હતા. તો હેલ્થકેર અને આઇટી ઇન્ડેક્સ 1.6 ટકા, અને મેટલ ઇંડેક્સ લગભગ એક ટકા જેટલો વધ્યો હતો. શેરબજારમાં સાધારણ સુધારા વચ્ચે આજે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી. બીએસઇ ખાતે આજે મંગળવારે 1664 કંપનીના શેર વધીને જ્યારે 1217 કંપનીના શેર ઘટીને બંધ થયા હતા. આજે શેરબજારમાં સાધારણ સુધારો થવાથી બીએસઇની માર્કેટ વેલ્યૂએશન વધીને 206.35 લાખ કરોડ રૂપિયા થઇ હતી જે ગઇકાલ સોમવારે 205.09 લાખ કરોડ રૂપિયા રહી હતી.