ભારતીય શેરબજારમાં તેજીના માહોલ વચ્ચે કંપનીઓ વચ્ચે આઇપીઓ લાવવાની હોડ જામી છે. મોટી કંપનીઓ બાદ હવે નાની અને મધ્યમ કદની કંપનીઓ પણ શેરબજારમાં લિસ્ટેડ થવા પ્રયત્નશીલ બની છે. પ્રાઈમરી માર્કેટમાંથી આ વર્ષે 60થી વધુ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ આઈપીઓ મારફત ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ગત કેલેન્ડવર્ષમાં રૂ. 159.10 કરોડના 27 એસએમઈ આઈપીઓ યોજાયા હતા.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મમાં અત્યારસુધી 400 પ્રોસ્પેક્ટ્સ ફાઈલ થયા છે. જેમાંથી 337નુ લિસ્ટિંગ થઈ ચૂક્યુ છે. બાકીના 63 આગામી એક વર્ષમાં લિસ્ટિંગ કરાવશે. એસએમઈ કંપનીઓ આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ બિઝનેસ વિસ્તરણ, મૂડીગત ખર્ચ તેમજ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને જનરલ કોર્પોરેટ ગોલ્સ પૂર્ણ કરવા માટે કરે છે. જેમાં મોટાપાયે આઈટી, ઓટોમોટીવ કોમ્પોનન્ટ્સ, ફાર્મા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટાલિટી સહિતના સેક્ટરની એસએમઈ આઈપીઓ યોજાશે.
બીએસઈએ નાની અને મધ્યમ કંપનીઓને ગ્રોથ તેમજ વિસ્તરણ માટે મૂડી એકત્ર કરવાની તકો પૂરી પાડવા માર્ચ, 2012માં એસએમઈ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ હતું. ત્યારથી માંડી અત્યારસુધીમાં કુલ 337 કંપનીઓએ એસએમઈ આઈપીઓ યોજી 3500 કરોડનુ ફંડ એકત્ર કર્યુ છે. જેની કુલ માર્કેટ કેપ રૂ. 26300 કરોડ છે.
ઉલ્લેખનીય છે કે, 337માંથી 99 મેઈન બોર્ડ પ્લેટફોર્મમાં શિફ્ટ થઈ ચૂકી છે. ઉપરાંત બીએસઈ સ્ટાર્ટઅપ પ્લેટફોર્મમાં 10-12 કંપનીઓ લિસ્ટિંગ કરાવ્યુ છે. જેની સ્થાપના ડિસેમ્બર, 2018માં થઈ હતી.