મુંબઇઃ ભારતીય શેરબજાર સતત નવા ઉંચા શિખર સર રહ્યુ છે અને આજે પણ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ફરી ઐતિહાસિક ઉંચાઇએ બંધ રહેવામાં સફળ રહ્યા છે. આજે BSE સેન્સેક્સ 445.87 પોઇન્ટ ઉછળીને 44,523.02 અને નિફ્ટી 128.70 પોઇન્ટની મજબૂતીમાં 13,055.15ના સ્તરે બંધ રહ્યા છે જે ક્લોઝિંગની રીતે બંને ઐતિહાસિક ઉંચી સપાટી છે. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન પણ બેન્ચમાર્ક સેન્સેક્સ 44,601.63 અને નિફ્ટી 13,079.10ના ઓલટાઇમ હાઇ લેવલને સ્પર્શ્યા હતા, જે ઇન્ટ્રા-ડેની રીતે સૌથી ઉંચી સપાટી છે. આ અગાઉ 23 નવેમ્બરે સેન્સેક્સે 44271 અને નિફ્ટીએ 18 નવેમ્બરના રોજ 12,948.85ની ઉંચી સપાટીને સ્પર્શ્ય કર્યુ હતુ.
શેરબજારમાં શાનદાર રિકવરી
ભારતીય શેરબજારમાં નવેમ્બર મહિના દરમિયાન અવરિત તેજી જોવા મળી છે અને બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી માર્ચમાં બનેલ નીચલી સપાટીથી 71 ટકા જેટલા ઉછળ્યા છે. 23 માર્ચના રોજ નિફ્ટી ઇન્ડેક્સ 7,610.25ના સ્તરે બંધ થયો હતો, જે આજે 13,055.15ના સ્તરે બંધ થયો છે. તેવી જ રીતે બેન્ચમાર્ક BSE सेंसेक्स પણ 23 માર્ચના રોજ 25,981.24ના સ્તરે બંધ થયો હતો જે આજે 44,523.02ના સ્તરે બંધ થયો છે.
શેરબજારમાં તેજીના મુખ્ય કારણો…
- કોરોના વેક્સીનનું સંશોધન અંતિમ તબકકામાં, ટૂંક સમયમાં રસી બજારમાં આવવાની આશા
- વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મજબૂત રિકવરીના સંકેતો
- એશિયન બજારોમાં જાપાનના નિક્કેઇ અને હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સમાં પણ તેજીનો માહોલ
- વિદેશી રોકાણકારો દ્વારા 20 નવેમ્બર સુધી ભારતીય શેરબજારમાં 50,000 કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ
- કોર્પોરેટ કંપનીના સપ્ટેમ્બર ક્વાર્ટરના અપેક્ષા કરતા પ્રોત્સાહક પરિણામો
- ફાર્મા, મેટલ, ખાનગી બેન્કો અને સિમેન્ટ સેક્ટરની કંપનીઓની એસેટ્સ ક્વોલિટીમાં સુધારો