મુંબઇઃ ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણની અસર શેરબજારમાં પણ વરતાઇ અને મોટો આંચકો આવ્યો હતો. આજે ભારતીય શેરબજારમાં સવારના સેશનમાં 1400 પોઇન્ટનો કડાકો બોલાયો હતો પરંતુ બપોર બાદ માર્કેટ નીચા સ્તરેથી રિકવર થયુ હતુ પરંતુ રોકાણકારોની જંગી વેચવાલીના દબાણથી માર્કેટ છેવટે રેડ ઝોનમાં જ બંધ થયુ હતુ.
આજે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 1449 પોઇન્ટના કડાકામાં 48580ની નીચી સપાટીને સ્પર્શ્યા બાદ અંતે 870 પોઇન્ટના ધોવાણમાં 49159ના સ્તરે બંધ થયો હતો. તો બેંચમાર્ક નિફ્ટી 229 પોઇન્ટની નુકસાનીમાં 14637ના મથાળે બંધ થયો હતો. આજે જંગી વેચવાલના લીધે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ સર્જાયો હતો.
આજે બેન્ચમાર્ક સેન્સેક્સના 30માથી 24 શેર તૂટ્યા હતા. જેમાં ઘટનાર સ્ટોક મોટાભાગના બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સ્ટોક હતા જ્યારે આઇટી સ્ટોક વધ્યા હતા. આઇટી અને ટેક ઇન્ડેક્સને બાદ કરતા આજે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ હતો. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 1.2 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.1 ટકા તૂટ્યો હતો. તો સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ 3.6 ટકા અને બેન્કેક્સ સૌથી વધુ 3.5 ટકા તૂટ્યો હતો. તો ઓટો ઇન્ડેક્સ 2.6 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.2 ટકા, ઓઇલ-ગેસ, કેપિટલ ગુડ્સ, એફએમસીજી ઇન્ડેક્સ દોઢ ટકાથી બે ટકા તૂટ્યા હતા. સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં માત્ર બે ટેક ઇન્ડેક્સ 1.7 ટકા અને આઇટી ઇન્ડેક્સ બે ટકા વધ્યો હતો.
શેરબજારમાં જંગી કડાકાથી રોકાણકારોને ફરી મોટુ નુકસાન થયુ છે. આજે સોમવારે બીએસઇની માર્કેટકેપ 2.17લાખ કરોડ રૂપિયા ઘટીને 205.09 લાખ કરોડ રૂપિયા રહી હતી. એટલે કે રોકાણકારોને આજે શેરબજારમાં 2.17 લાખ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. આજે ભારે વેચવાલીના પગલે શેરબજારની માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. બીએસઇ ખાતે 1058 કંપનીના શેરમાં સુધારા સામે 1898 કંપનીના શેર ઘટીને બંધ થયા હતા.