મુંબઇઃ ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગે રિલિફ રેલી આવી હતી અને આ રિકવરીમાં બેન્ચમાર્ક સેન્સેક્સ તેની મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક સપાટી 49,000ની ઉપર બંધ રહેવામાં બંધ રહ્યો છે.
આજે શુક્રવારે બીએસઇ સેન્સેક્સ 568 પોઇન્ટની રિકવરીમાં 49008ના સ્તરે બંધ રહેવા સફળ થયો હતો. તો નિફ્ટી પણ કામકાજના અંતે 182 પોઇન્ટ સુધરીને 14507ના સ્તરે બંધ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, બુધવારે અને ગુરુવારે એમ કુલ બે દિવસ ભારતીય શેરબજારમાં મોટુ કરેક્શન આવ્યુ અને સેન્સેક્સ-નિફ્ટી લગભગ બે મહિનાની નીચી સપાટીએ ઉતરી ગયા હતા.
આજે સેન્સેક્સના 30માંથી 26 બ્લુચિપ સ્ટોક સુધર્યા હતા. તો બેન્ચમાર્ક નિફ્ટીના 50માંથી 43 બ્લુચિપ સ્ટોક વધ્યા હતા. આજે મેટલ અને એફએમસીજી સ્ટોકમાં સુધારાથી શેરબજારની રિકવરીને સપોર્ટ મળ્યો હતો. અમેરિકા સહિતના એશિયન શેરબજારમાં આજે પોઝિટિવ ટ્રેન્ડથી ભારતીય શેરબજારમાં રિકવરી આવી હતી. આજે બીએસઇના સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ ખાતે મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ 3.5 ટકા. ટેલિકોમ ઇન્ડેક્સ સવા બે ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પોણા ત્રણ ટકા, કેપિટલ ગુડ્સ દોઢ ટકા, એફએમસીજી ઇન્ડેક્સ 1.7 ટકા જેટલા સુધર્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઇનડેક્સ એકથી પોણા બે ટકા જેટલા વધ્યા હતા. બીએસઇ ખાતે આજે 1658 શેર વધીને 1296 શેર ઘટીને બંધ રહેતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ બની હતી. આજે શેરબજારમાં સુધારાથી બીએસઇની માર્કેટ 2.52 લાખ કરોડ રૂપિયા વધીને 201.27 લાખ કરોડ રૂપિયા થઇ હતી.