અમદાવાદઃ ભારતીય શેરબજારમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે અને બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સતત નવી ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શી રહ્યા છે. જેથી રોકાણકારો પણ માલામાલ થઇ રહ્યા છે. આજે બુધવારે સેન્સેક્સ પ્રથમવાર 46,100ની સપાટીને વટાવી ગયો અને ઇન્ટ્રા-ડેમાં 46,164ની નવી ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો જે મંગળવારના બંધની સામે આજે 556 પોઇન્ટનો ઇન્ટ્રા-ડે ઉછાળો છે. આમ બજારના કામકાજના બેન્ચમાર્ક સેન્સેક્સ 495 પોઇન્ટની તેજીમાં 46,103ના સ્તરે બંધ થયો હતો. તો બેન્ચમાર્ક નિફ્ટી પણ આજે સેશન દરમિયાન 13,548ની નવી સર્વોચ્ચ સપાટીને સ્પર્શીને કામકાજના અંતે 136 પોઇન્ટના સુધારા સાથે 13,529ના સ્તરે બંધ થયો હતો. આમ સેન્સેક્સ સળંગ સાતમાં દિવસે વધ્યો અને આ દરમિયાન બેન્ચમાર્ક 1954 પોઇન્ટ વધ્યો છે. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ આજે 447 પોઇન્ટની તેજીમાં 30709ના સ્તરે બંધ થયો હતો.
રોકાણકારોની સંપત્તિ રૂ.1.2 લાખ કરોડ વધી
હાલ ભારતીય શેરબજારના રોકાણકારો સતત કમાણી કરી રહ્યા છે. આગઝરતી તેજીમાં આજે બુધવારે સેન્સેક્સમાં 495 પોઇન્ટના ઉછાળો આવ્યો હતો. જેને પગલે બીએસઇની કુલ માર્કેટકેપ 1.2 લાખ કરોડ રૂપિયા વધીને રૂ. 182.81 લાખ કરોડ થઇ હતી જે ગઇકાલે મંગળવાર રૂ. 181.61 લાખ કરોડ હતી. આમ આજે બુધવારે રોકાણકારોને શેરબજારમાં રૂ. 1.20 લાખ કરોડની કમાણી થઇ છે.
આજની તેજીમાં સેન્સેક્સના 30 બ્લુચિપ સ્ટોકમાંથી 21 વધ્યા હતા તો બેન્ચમાર્ક નિફ્ટી-50ના 50માંથી 33 શેર ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. આજની ઐતિહાસિક તેજીમાં બીએસઇના તમામ ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા જેમાં પાવર અને બેઝિક મિનરલ્સ ઇન્ડેક્સ અપવાદરૂપ હતા. બીએસઇનો મિડકેપ, સ્મોલકેપ ઇન્ડેક્સ અડધા ટકા જેટલા અને લાર્જ કેપ ઇન્ડેક્સ 0.9 ટકા વધ્યો હતો. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસની વાત કરીયે તો એનર્જી ઇન્ડેક્સ, ફાઇનાન્સ, આઇટી ઇન્ડેક્સ, બેન્કિંગ ઇન્ડેક્સ, રિયલ્ટી ઇન્ડેક્સમાં એક ટકાથી દોઢ ટકા જેટલી તેજી જોવા મળી હતી.