મુંબઇઃ ભારતીય શેરબજારમાં સળંગ છઠ્ઠા દિવસે તેજી ચાલુ રહી હતી અને બેન્ચમાર્ક સેન્સેક્સે પ્રથમવાર 47,000ની સપાટીને ક્રોસ કર્યુ હતુ. આજે બીએસઇનો સેન્સેક્સ બેન્ચમાર્ક આજે 47,026ના નવા ઓલટાઇમ હાઇ લેવલે ખૂલ્યો હતો જે ભારતીય શેરબજારની નવી સર્વોચ્ચ સપાટી બની છે. પોઝિટિવ ઓપનિંગ શેરબજારમાં પ્રોફિટબુકિંગને પગલે માર્કેટમાં પીછેહઠ જોવા મળી હતી. કામકાજના અંતે સેન્સેક્સ 70 પોઇન્ટના સુધારામાં 46,960ના સ્તરે બંધ થયો હતો. તો એનએસઇનો નિફ્ટી-50 ઇન્ડેક્સ 20 પોઇન્ટની મજબૂતીમાં 13,760ના સ્તરે બંધ થયો હતો. આજે સેશન દરમિયાન સેન્સેક્સ નીચામાં 46,630 અને નિફ્ટી 13,658 થયો હતો. મક્કમ સુધારા સાથે આજે બીએસઇની કુલ માર્કેટકેપ 185.38 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
આજે બીએસઇ ખાતે 1275 શેર વધ્યા હતા જ્યારે બીજી બાજુ 1709 શેર રેડ ઝોનમાં હતા. જે શેરબજારમાં આંતરપ્રવાહ નરમાઇ તરફી હોવાના સંકેત આપે છે.
આજે બેન્ચમાર્ક સેન્સેક્સના 30માંથી 18 બ્લુચિપ સ્ટોક વધ્યા હતા. જેમાં ઇન્ફોસિસ 2.6 ટકા, બજાજા ઓટો 2.4 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દોઢ ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.4 ટકા અને એચસીએલ ટેક 1.3 ટકના સુધારે ટોપ-ફાઇવ ગેઇનર બન્યા હતા.તો બીજી બાજુ રેડ ઝોનમાં બંધ થનાર બ્લુચિપ સ્ટોકમાં ઇન્ડ્સઇન્ડ બેન્ક 3.3 ટકા, ઓએનજીસી અઢી ટકા, એચડીએફસી બેન્ક 2.1 ટકા, મારુતિ સુધુકી 1.6 ટકા અને બજાજ ફિનસર્વ 1 ટકા જેટલો તૂટ્યો હતો. તો બેન્ચમાર્ક નિફ્ટીના 50માંથી 27 સ્ટોક વધીને બંધ થયા હતા.
આજે શુક્રવાર બીએસઇનો આઇટી ઇન્ડેક્સ દોઢ ટકા અને ફાર્મા ઇન્ડેક્સ સવા ટકા જેટલા વધ્યા હતા. તે ઉપરાંત એફએમસીજી ઇન્ડેક્સ ગ્રીન ઝોનમા દેખાયો હતો. રિયલ્ટી, ખાનગી બેન્કો, સરકારી બેન્કો, ફાઇનાન્સિયલ સ્ટોકના ઇન્ડેક્સમાં આજે નરમાઇ જોવા મળી હતી.