અમદાવાદઃ ભારતીય શેરબજારની નવી સર્વોચ્ચ શિખર બનાવવાની સાત દિવસની તેજીને આજે ગુરુવારે બ્રેક લાગી હતી. આજે ગુરુવારે સેન્સેક્સ 144 પોઇન્ટ તૂટ્યો તો નિફ્ટી 50 ટકાના ઘટાડે બંધ રહ્યો હતો. એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસઇન્ડ બેન્કના શેર ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયા હતા. બીએસઇનો 30 સ્ટોકવાળો સૂચકાંક સેન્સેક્સ આજે 143.62 પોઇન્ટ એટલે કે 0.31 ટકા ઘટીને 45,959.88ના સ્તરે બંધ થયો હતો. તેવી જ રીતે એનએસઇનો નિફ્ટી-50 ઇન્ડેક્સ પણ આઝે 50.80 પોઇન્ટ અથવા 0.38 ટકા ઘટીને 13,478.30 ના સ્તરે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, અગાઉ સાત દિવસેની એકધારી તેજીમાં સેન્સેક્સમાં 1900 પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો.
સેન્સેક્સના 30 બ્લુચિપ સ્ટોકમા શામેલ અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી વધુ ઘટ્યો અને તેનો શેર લગભગ 3 ટકા ઘટાડે બંધ થયો હતો. તે ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ પીછેહઠ જોવા મળી હતી. અલબત્ત નેસ્લે ઇન્ડિયા, આઇટીસી, હિન્દુસ્તાન યુનિલિવર અને કોટક મહિન્દ્રા બેન્કના શેર વધ્યા હતા.
સ્ટોક બ્રોકર્સના મતાનુસાર શેરબજારમાં ઉંચા સ્તરે નફાવસૂલીને પગલે આજે ગુરુવારે પીછેહઠ જોવા મળી હતી.
આનંદ રાઠી ફર્મના સ્ટોક રિસર્ચ (ફંડામેન્ટલ્સ)ના હેડ નરેન્દ્ર સોલંકીએ કહ્યુ કે, બપોર પછીના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ નીચલા સ્તરેથી રિકવર થયુ છે. તેનું કારણ એશિયન ડેવલપમેન્ટ બેન્ક દ્વારા ભારતના વિકાસદરના અંદાજમાં કરાયેલો સુધારો છે. તેણે ચાલુ નાણાંકીય વર્ષે ભારતના વિકાસદરમાં 8 ટકાના સંકોચનની આગાહી કરી છે જ્યારે અગાઉ 9 ટકાના ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
ઉપરાંત વૈશ્વિક શેરબજારોની વાત કરીયે તો હોંગકોંગ, શિયોલ અને ટોક્યોના શેરબજાર પણ નરમાઇ સાથે બંધ થયા હતા. આ દરમિયાન બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 0.76 ટકા વધીને 49.23 ડોલર પ્રતિ બેરલ થયો હતો.