નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર આજે ફરી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. શેરબજારમાં સાર્વત્રિક લેવાલીથી તેજી રહી છે. બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 403 પોઇન્ટ કે 0.87 ટકાના ઉછાળા સાથે 46,666ની ટોચે બંધ થયો. તો નિફ્ટી-50 ઇન્ડેક્સ 115 પોઇન્ટ કે 0.85 ટકાની તેજીમાં 13,683ના સ્તરે બંધ રહ્યો છે. આજે સેશન દરમિયાન સેન્સેક્સ 46,704 અને નિફ્ટી 13,692ની નવી ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યા હતા. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ એક-એક ટકાની તેજી સાથે બંધ થયા હતા.
આજની તેજીમાં સેન્સેક્સના 30 બ્લુચિપ સ્ટોકમાંથી 21 અને નિફ્ટી-50 ઇન્ડેક્સના 50માંથી 26 સ્ટોક ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. સુધારે બંધ રહેલા બ્લુચિપ સ્ટોકમાં એચડીએફસી 3.1 ટકા, ઓએનજીસી 2.7 ટકા, ભારતી એરટેલ 2.35 ટકા, એશિયન પેઇન્ટ્સ 2.2 ટકા, ટાયટન 2.1 ટકા અને ટીસીએસનો શેર 2 ટકા વધ્યો હતો. તો બીજી બાજુ એનટીપીસી, ઇન્ડ્સઇન્ડ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક 1 ટકા જેટલા તૂટ્યા હતા.
આજની ઐતિહાસિક ટોચ તરફી તેજીથી બીએસઇની માર્કેટકેપ વધીને 185.13 લાખ કરોડ રૂપિયા થઇ હતી. બીએસઇ ખાતે આજે 1859 સ્ટોક વધીને જ્યારે 1165 શેર રેડ ઝોનમાં બંધ થયા હતા. તો આજે સેશન દરમિયાન 194 સ્ટોક તેમની 52 સપ્તાહની ઉંચી સપાટીને સ્પર્શ્યા હતા જ્યારે ચાર સ્ટોક વર્ષને તળિયે ગયા હતા.
આજની સાર્વત્રિક તેજીમાં માત્ર પીએસયુ બેન્ક ઇન્ડેક્સ જ ઘટ્યો હતો. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ પાંચ ટકા ઉછળ્યો હતો. બીએસઇનો મેટલ ઇન્ડેક્સ પોણા બે ટકાની મજબૂતીમાં બંધ રહ્યો. તો ઓટો અને ફાર્મા ઇન્ડેક્સ પણ 1-1 ટકા સુધી ઉછળ્યા હતા. રિયલ્ટી ઇન્ડેક્સમાં ડીએલએફ અને ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટનો શેર 10થી 12 ટકા જેટલા ઉછળ્યા હતા. મેટલ ઇન્ડેક્સમાં હિન્દુસ્તાન કોપરના શેરમાં આજે 12 ટકાની તેજી જોવા મળી. ઓટો ઇન્ડેક્સમાં અશોક લેલેન્ડ અને ફાર્મા ઇન્ડ્ક્સમાં ડિવિશ લેસનો શેર ટોપ ગેઇનર હતો. માત્ર એક જ સરકારી બેન્કનો શેર આજે વધ્યો હતો