ભાજપની ભગિની સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના વડા મોહન ભાગવત ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ અમદાવાદમાં એક મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહી સામાજીક મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપશે.
સૂત્રો કહે છે કે આરએસએસની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક અમદાવાદમાં હેડગેવાર ભવનમાં યોજાવાની છે ત્યારે તેમાં ઉપસ્થિત રહેલા મોહન ભાગવત અમદાવાદના પ્રવાસે આવ્યા છે. તેઓ એ સમયે અમદાવાદમાં છે કે જ્યારે વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાઇ રહી છે. આ ચૂંટણીનું મતદાન ત્રીજી નવેમ્બર ને મંગળવારે થવાનું છે.
અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક અમદાવાદમાં બે દિવસ સુધી ચાલવાની છે. આ બેઠકમાં મોહન ભાગવત ઉપરાંત સહ કાર્યવાહ ભૈયાજી જોષી સહિત ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા પશ્ચિમ ક્ષેત્રના 60 જેટલા પ્રચારકો અને કાર્યકરો ઉપસ્થિત રહેવા છે. ચૂંટણી અને બેઠકનો યોગાનુયોગ એટલા માટે છે કે દર વર્ષે દિવાળીના તહેવારો પહેલાં આવી બેઠક મળતી હોય છે.
ગયા વર્ષે આવી બેઠક ભૂવનેશ્વરમાં યોજાઇ હતી. આ વર્ષે કોરોના સંક્રમણના કારણે રાષ્ટ્રીયસ્તરે એખ બેઠકને બદલે ઝોન પ્રમાણે ચાર બેઠકો યોજવામાં આવી રહી છે જે પૈકી પશ્ચિમ ઝોનની બેઠક અમદાવાદમાં મળી રહી છે. આ બેઠકમાં સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન થાય તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે દશેરાના તેમના પ્રવચનમાં નાગપુરમાં કહ્યું હતું કે કોરોના મહામારીમાં ચીનનું નામ આવે છે. ખબર નથી કે શું છે. શંકાઓ છે પરંતુ ચીન આ સમયમાં તેના અભિમાનમાં ભારતની સરહદો પર આક્રમણ કરે છે અને અતિક્રમણ કરી રહ્યું છે પરંતુ ભારતના લોકો એકજૂથ થઇને ચીનને પહેલીવાર તાકાતનો પરચો આપી રહ્યાં છે તેનાથી ચીને સમજી જવાની જરૂર છે. તેમણે ચીનના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરાહના કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાતની મુલાકાત પછી મોહન ભાગવતની ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત અનેક સૂચિતાર્થો આપી જાય છે. અમદાવાદની બેઠકમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા ઉપરાંત સામાજીક મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવશે. આ બેઠકમાં ગુજરાતના સંઘના આગેવાનો પણ હાજર રહેશે.