ગાંધીનગરના સચિવાલયમાં અચ્છે દિન ચાલી રહ્યાં છે. પણ આવા અચ્છે દિન કોના ચાલે છે તેવો પ્રશ્ન કરીએ તો જવાબ મળે છે કે કોંગ્રેસના અચ્છે દિન છે. સાશન નહીં હોવા છતાં કોંગ્રેસનો પાવર ગુજરાતમાં ચાલે છે. કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોને સરકારમાં કામ કેવી રીતે કઢાવવું તે સારી રીતે આવડે છે.
સચિવાલયના વિભાગોમાં હાલ ભાજપના કાર્યકર્તાઓ માટે ખરાબ દિવસો ચાલી રહ્યાં છે, કેમ કે તેમના ધારાસભ્યો અને આગેવાનોના કામો થતાં નથી. એવું પણ ચર્ચાય છે કે ભાજપના કાર્યકરનું કામ થતું નહીં હોવાથી તે કોંગ્રેસના આગેવાનને કામ કરવા માટે આગળ ધરે છે, કેમ કે કેબિનેટમાં કોંગ્રેસનું વર્ચસ્વ વધતું જાય છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ અને કાર્યકર્તાઓની સચિવાલયમાં ચહલપહલ વધુ જોવા મળે છે. જે નેતાઓ અને કાર્યકરે માત્ર ભાજપનો સિમ્બોલ સ્વિકાર્યો છે તેઓ લેટરહેડ લઇને અંગત કામો કરાવી રહ્યાં છે જ્યારે ભાજપના ખુદના ધારાસભ્યોના કામો વિલંબમાં પડે છે.
કોંગ્રેસમાંથી આવેલા એક ધારાસભ્ય તો મંત્રીઓની ચેમ્બરમાં અંગત સ્ટાફ સાથે બેસીને તેમના કામો વટ કે સાથ કરાવી રહ્યાં છે. સચિવાલયમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે ભાજપના કાર્યકર કે નેતાને સરકારના કોઇ વિભાગોમાં કોઇ કામ કરાવવું હોય તો કોંગ્રેસ કે પાટીદાર અનામત આંદોલનમાંથી ભાજપમાં આવેલા નેતાઓ પાસે જવું જોઇએ, કેમ કે તેમના કામો વહેલા થઇ જાય છે.
મંત્રીઓ જ નહીં, વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ભાજપમાં આયાતી નેતાઓ કે કાર્યકરોના કામો ઝડપથી કરી રહ્યાં છે. આમ પણ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના ત્રણ પૂર્વ ધારાસભ્યોને ગણતરીના કલાકોમાં રૂપાણી કેબિનેટમાં સ્થાન મળેલા છે. સચિવાલયમાં ભાજપના ધારાસભ્યો કોંગ્રેસના ધારાસભ્યોને કામોની સોંપણી કરતાં જોવા મળી રહ્યાં છે.
આશ્ચર્યની બાબત તો એવી છે કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની ઉદ્યોગભવન સ્થિત કચેરી આજે કોંગ્રેસના નેતાઓનો અડ્ડો બની ચૂકી છે. એવી જ રીતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ચેમ્બર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોથી હાઉસફુલ જોવા મળતી હોય છે. ભાજપના એક સિનિયર કાર્યકરે કટાક્ષમાં કહ્યું છે કે અહીંયા ભાજપ અને કોંગ્રેસની મિલીઝૂલી સરકાર કામ કરી રહી હોય તેમ લાગે છે.